Sunday, May 26, 2019

Birthday Special: પ્રજાવત્સલ રાજવી ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજી જાડેજા

Birthday Special: પ્રજાવત્સલ રાજવી ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજી જાડેજા
- કવન આચાર્ય

રાજકોટ
ના ઠાકોર સાહેબ શ્રી મેહરામણજીના ફટાયા કુંવર કુંભાજીએ ઈ.સ. ૧૬૩૪ માં ગોંડલી નદીના કિનારે ગોંડલ રાજ્યની સ્થાપના કરી હતી. સમયાંતરે પેઢી દર પેઢી સંગ્રામસિંહજી જાડેજાના પુત્ર ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાએ ગોંડલની ગાદી સંભાળી અને ગોંડલના વિકાસનો એક નવો યુગ શરૂ થયો.

મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેમનો જન્મ 24 મી ઓક્ટોબર 1865ની કારતક સુદ પાંચમના રોજ ધોરાજી ખાતે થયો હતો. માતા મોંઘીબા અને પિતા સંગ્રામસિંહ ભાણજી જાડેજાને ત્યાં પુત્રરત્ન પ્રાપ્તિ થતાં આનંદ અપાર હતો.

સમય જતાં ભગવતસિંહજીએ નવ વર્ષની ઉંમરે રાજકોટની જાણીતી રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવ્યો. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે યુરોપ ગયા. ત્યારબાદ ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની તેમણે ગાદી સંભાળી.

ભગવતસિંહજી જાડેજાને 4 રાણીઓ હતા. જેમાં પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુરના કુંવરી) બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ પર એમ.ડી. સુધીનું શિક્ષણ તેમણે પ્રાપ્ત કર્યું હતું.

એક વખત જ્યારે તેઓ છૂપા વેશે પોતાના નગરની યાત્રાએ નીકળે છે ત્યારે એક વૃધ્ધા તેમને સાદ પાડીને ઘાસનો ભારો માથે ચઢાવવા આજીજી કરે છે. રાજા હોવા છતાં પણ તેમણે હોદ્દાની પરવાહ કર્યા વગર તે વૃધ્ધાને માંથે ભારો ચઢાવવામાં મદદ કરે છે. ત્યારે તેણીના મોઢાંમાંથી શબ્દો સરી પડે છે તે આપણા ભગવતસિંહ બાપુ જો થાકલા કરી આપે ને તો આ ભારો ચઢાવવા માટે કોઇની મદદ ના લેવી પડે. મહારાજાએ આ વાત સાંભળી અને પોતાનો પરિચય આપ્યા વિના તરત જ તેમણે પૂછ્યું આ 'થાકલા' એટલે શું..?. 

વૃદ્ધાએ જવાબ વાળ્યો કે માણસની ઉંચાઇ જેટલા 2 પત્થર ઉપર એક આડો પત્થર એટલે થાકલાં. જે વટેમાર્ગુનો થાક ઉતારે છે અને કોઇ ભારો લઇને નીકળે તો ત્યાં રાખીને આરામ કર્યા પછી જાતે જ માંથે ચઢાવી શકે તેવી વ્યવસ્થા.

મહારાજાએ વાત સાંભળીને વિદાય લીધી અને રાજના એન્જીનીયરને બોલાવી તાત્કાલિક અસરથી થાકલાં બનાવવાની સુચના આપી. ભગવતસિંહ બાપુ વિશેનો બીજી એક પ્રસંગ આજે સવારે નજીકના મિત્ર અને ગોંડલના વતની ધર્મપાલસિંહજીએ મને કીધો. 

તેમણે કીધુ કે ભગવતસિંહ બાપુને ઇંગ્લેન્ડની ઇટોન હાઇસ્કુલનું બાંધકામ ગમી ગયું તેમણે પોતાના રાજમાં પણ આવી સંસ્થા બનાવવાનું નક્કી કર્યું અને હુબહું ઇંગ્લેન્ડ ઇટોન હાઇસ્કુલ જેવી જ સંસ્થા નદી કિનારે બનાવી. આ મામલાની જાણ ઇટોન હાઇસ્કુલના સંચાલકોને થતાં તેમણે કેસ કર્યો જો કે મહારાજાએ પોતાની રીતે આ સંસ્થામાં કેટલાક ફેરફાર કરેલા હોવાથી ઇટોન હાઇસ્કુલના સંચાલકો હારી ગયા આજે આ ગોંડલની આ સંસ્થા સંગ્રામસિંહજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે. પ્રજા માટે હંમેશા કાંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા મહારાજા ભગવત સિંહજી ગોંડલ બાપુ ભગાબાપુ જેવા હુલામણાં નામે પ્રજામાં જાણીતા હતા. 

ગોંડલ નરેશ ભગવતસિંહજીએ 1887 માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂ કરી હતી. આ સાથે જ ગોંડલની પ્રજાને રેડિયો સાંભળવા માટે લાયસન્સ નહોતું લેવું પડતું તેવા અનેક કિસ્સાઓ લોકમુખે સાંભળવા મળે છે.

તેમણે ગોંડલમાં કરાવેલ નગર આયોજન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને તેમ છે. આ સાથે ગુજરાતીનો સૌથી સમૃદ્ધ શબ્દકોષ ભગવદ્ ગોમંડલની રચના કરાવી જે 9 ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી ભાષાના ૨ ૮૧ ૩૭૦ શબ્દોનો સમાવેશ થાય છે. મહારાજા ભગવતસિંહજીએ ગોંડલની ગાદી માત્ર 4 વર્ષની ઉંમરે સંભાળી હતી. 

સતત 75 વર્ષ સુધી ગોંડલની ગાદી સંભાળ્યા બાદ તેમનું 9 મી માર્ચ 1944ના રોજ દેહાવસાન થયું. સમગ્ર ગોંડલ રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમને ૧૮૯૭ - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ પણ પ્રાપ્ત થયો હતો. આમ સર્વ જન સુખાયની ભાવના ધરાવતા મહારાજા ભગવતસિંહજીને આજેપણ પ્રજા પ્રાત:સ્મરણીય સ્વરૂપે યાદ કરે છે.

કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે માહિતી મદદ વિકીપીડીયા)
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ