Amidst the slow arrival of mangoes in the market, the world is worried about the location of Mawtha,
માઠા સમાચાર /
બજારમાં કેરીના આગમન વચ્ચે માવઠાની મોકાણ, જાણો કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ
Team VTV10:07 PM, 09 May 22
| Updated: 11:28 PM, 09 May 22
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
બજારમાં કેરીનું ધીમા પગલે આગમન
અમદાવાદમાં આગામી છ દિવસ ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે
માવઠાની મોકાણ વચ્ચે કેરીનાં પાકને સાચવવો મુશ્કેલ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. હાલ કેરીની સિઝનમાં એક તરફ કેરીનું ઉત્પાદન મોડું છે જેથી કેરી બજારમાં માંડ ધીમાં પગલે આવી રહી છે. માવઠાની મોકાણ વચ્ચે કેરીનાં પાકને સાચવવો કયા તે સવાલો ઊભા થયા છે. જો માવઠું થશે તો ખેડૂતોની માઠી દશા થશે. મહત્વનું છે કે એક બાજુ ગત સાલ ત્રાટકેલા વાવાઝોડા અનેક અંબાઓનો સોથ વળી જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની નજીક
અમદાવાદીઓ માટે આ ઉનાળો દિવસે દિવસે કપરો બની રહ્યો છે. એપ્રિલ બાદ મે મહિનો પણ કાળઝાળ ગરમીમાં પસાર થઈ રહ્યો છે. જો કે, આગામી દિવસોમાં પણ અમદાવાદીઓને ગરમીમાં કોઈ રાહત નહીં મળે. તે મુજબ ગુજરાતમાં હજુ પણ છ દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં વારંવાર ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમીના ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે. જેને પગલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી શહેરીજનોની ચિંતા વધી છે. આમ શહેરીજનો આગામી છ દિવસ ગરમીના વધુ એક રાઉન્ડનો અનુભવ કરશે
દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા
આગામી બે દિવસ એટલે કે બુધવાર સુધી ગરમી ૪૪ ડિગ્રીને પાર થવાની છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવે ગીરની કેસર કેરી આ વર્ષે મોડી હોવા છતાં ફાઇનલ રાઉન્ડમાં બજારમાં પહોંચવા માટે કિનારે આવી છે ત્યારે જો માવઠું થશે તો કેરીના પાકની સ્થતિ કિનારે આવીને ડૂબી જવા જેવી થશે. ગત રવિવારે ૪૪ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. કાળઝાળ ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના લીધે ગરમીમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવન ફૂંકાશે. જેનાથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બુધવાર સુધી કાળઝાળ ગરમી રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે બુધવારથી વાતાવરણમાં પલટો આવી શકે છે. અને આકાશમાં વાદળો છવાશે, પવનની ગતિમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે.માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વર્ષે સામાન્ય કરતાં કેરી ઓછી જોવા મળી રહી છે. ત્યારે જો આ માવઠું થાય તો કેરી સહિત ઉનાળુ પાકને વહેલી તકે સલામત જગ્યાએ ખસેડવો પડે. જેથી નુકસાન થતું અટકાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ મે મહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાવાઝોડું પણ આવ્યું હતું ત્યારે ભારે પવનથી અનેક પાક સાથે આંબાના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે કેરીનાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો.