દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીના પગલે 15 હજાર મિલકતો વધી હોવાનું જાણવા મળ્યું છે એટલે કે કુલ 1.90 લાખ કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષનાં બિલ અપાશે
જોધપુર, વેજલપુર, સરખેજ-મકતમપુરાના રહીશો પ્રોપર્ટી ટેક્સ ભરવા તૈયાર રહેજો
દક્ષિણ-પશ્ચિમ ઝોનના ચાર વોર્ડમાં પ્રોપર્ટી ટેક્સબિલનું વિતરણ શરૂ કરાયું
૧પ ફેબ્રુઆરી સુધીમાં કરદાતાઓને બિલ પહોંચતાં કરાશે
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આશરે 15 હજાર મિલકતો વધી
મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઓક્ટ્રોય નાબૂદી બાદ આવકનો મુખ્ય સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. પ્રોપર્ટી ટેક્સની આવકથી તંત્ર દ્વારા પ્રજાલક્ષી સુખાકારીનાં કામો ઉપરાંત વિકાસના પ્રોજેક્ટ હાથ ધરાય છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ શહેરના 22 લાખથી વધુ કરદાતાઓને બિલ પહોંચાડીને ટેક્સની આવક મેળવવા માટેના સમયસર પ્રયાસ હાથ ધરાતા રહ્યા છે, જેના કારણે મ્યુનિ. તિજોરી ટેક્સની આવકથી છલકાતી રહી છે. હવે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સમાવેશ ધરાવતા જોધપુર, વેજલપુર, સરખેજ અને મકતમપુરા એમ ચાર વોર્ડમાં બિલનું વિતરણ શરૂ કરાયું છે.
અમદાવાદ શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન સિવાયના અન્ય ઝોનમાં બિલનું વિતરણ આટોપી લેવાયું હોઈ તંત્ર દ્વારા 50 હજારથી વધુ રકમનો બાકી ટેક્સ ધરાવતા ડિફોલ્ટર્સની મિલકતને સીલ મારવાની ઝુંબેશ પણ જોરશોરથી આરંભાઈ ગઈ છે. અમદાવાદમાં સપ્ટેમ્બર-2022ના ત્રીજા અઠવાડિયાથી પ્રોપર્ટી ટેક્સનાં બિલ વહેંચવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ વખતે પ્રોપર્ટી ટેક્સબિલ બહાર છપાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી તંત્ર દ્વારા જ ટેક્સબિલ છાપવામાં આવતાં હતાં. હવે શહેરમાં બિલ વિતરણની પ્રક્રિયા મહદ્અંશે પૂરી થઈ ગઈ છે અને 1 જાન્યુઆરી, 2023થી ડિફોલ્ટર્સ સામે સીલિંગ અભિયાન હાથ ધરાયું છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીના કારણે આ વખતે આ ઝોનના કરદાતાઓને ટેક્સબિલ મોડાં મળી રહ્યાં છે. જોધપુર, વેજલપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડ સાથેના કુલ 1.90લાખ કરદાતાઓને છેલ્લા બે દિવસથી બિલ વહેંચાઈ રહ્યાં છે. ટેક્સ વિભાગના કર્મચારીઓ રોજ 200થી 300 બિલનું વિતરણ કરી રહ્યા છે. આને જોતાં આગામી 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ કરદાતાને હાથોહાથ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 નાં બિલ મળી જાય તેવી શક્યતા છે.જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વગેરે વોર્ડમાં પણ ટેક્સબિલનું વિતરણ ટૂંક સમયમાં શરૂ કરાય તેવી શક્યતા છે. આ ઝોનનાં ટેક્સબિલ છપાવવા માટે આપ્યાં હોઈ આજકાલમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગને મળી જવાનાં છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પણ ચતુર્વર્ષીય આકારણીના કારણે કરદાતાઓને ટેક્સબિલ મોડાં મળશે.
ફાઇલ તસવીર
આ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીમાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23ની તા. 1 એપ્રિલ,2022 થી 17 જાન્યુઆરી, 2023 સુધીમાં પ્રોપર્ટી ટેકસની આવક પેટે રૂ. 857.62 કરોડ ઠલવાયા છે, જ્યારે આટલા સમયગાળામાં તંત્રને પ્રોફેશનલ ટેક્સમાં રૂ. 168.61 કરોડ અને વિહિકલ ટેક્સમાં રૂ. 147.68 કરોડની આવક થવા પામી છે. મ્યુનિ. તંત્રને આ ત્રણેય ટેક્સથી કુલ રૂ. 1173.92 કરોડની આવક થઈ છે. ગત નાણાકીય વર્ષે 2021-22 માં થયેલી કુલ રૂ. 1553.23 કરોડની આવક સામે તંત્રને અત્યાર સુધીમાં 76 ટકા જેટલી રકમ મળી ચૂકી છે.
ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં કોર્પોરેશનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત તા. 31માર્ચ, 2023 સુધી પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ એમ બંનેમાં તંત્ર દ્વારા ઈન્સેન્ટિવ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે ટેક્સ આવકમાં વૃદ્ધિ કરવાના આશયથી અમલમાં હોઈ કરદાતાઓ પણ તેનો મહત્તમ લાભ લઈ રહ્યા છે.ગત તા. 6 જાન્યુઆરી, 2023થી ચાલુ નાણાકીય વર્ષ 2022-23 સિવાયની કુલ બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ માટે ત્રણ મહિના લાંબી ઈન્સેન્ટિવ યોજના અમલમાં છે, જે મુજબ જૂની ફોર્મ્યુલા હેઠળનાં રહેણાક અને બિનરહેણાક મિલકતો માટે વ્યાજની રકમમાં 100 ટકા માફી અપાઈ રહી છે, જ્યારે નવી ફોર્મ્યુલા હેઠળની રહેણાક મિલકતના વ્યાજની રકમમાં 80 ટકા અને બિનરહેણાક મિલકતના વ્યાજની રકમમાં 60 ટકાની છૂટ કરદાતાઓને મળી રહી છે, જ્યારે પ્રોફેશનલ ટેક્સની સમાધાન યોજનાની મુદત 31 માર્ચ, 2023 સુધી લંબાવાઈ હોઈ તેના કરદાતાઓને વ્યાજદંડ અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ મળી રહી છે.