After AIIMS, yet another hospital data leak frenzy, 1.5 lakh patient data sold
ચિંતા /
AIIMS પછી વધુ એક હોસ્પિટલનો ડેટા લીક થતા ખળભળાટ, 1.5 લાખ દર્દીઓની માહિતી વેચાઈ
Team VTV09:47 PM, 03 Dec 22
| Updated: 09:49 PM, 03 Dec 22
દિલ્હી AIIMS પર સાયબર એટેકનો મામલો શાંત નથી પડ્યો ત્યાં જ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલના 1.5 લાખ દર્દીઓનો ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે.
દિલ્હી AIIMS બાદ વધુ એક હોસ્પિટલનો ડેટા થયો લીંક
હોસ્પિટલના 1.5 લાખ દર્દીઓને ડેટા વેચવામાં આવ્યો
આ ડેટા તમિલનાડુની શ્રી સરન મેડિકલ સેન્ટરનો છે
દિલ્હી AIIMS હેકિંગ અને ડાર્ક વર્લ્ડમાં ડેટાનું વેચાણ ચિંતાનો વિષય છે. આ મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં જ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાણીતી હોસ્પિટલના હજારો દર્દીઓનો ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. આ કેસ તમિલનાડુના શ્રી સરન મેડિકલ સેન્ટરનો છે. હોસ્પિટલના દર્દીઓનો સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે. 22 નવેમ્બર 2022ના રોજ, XVigil એ ડાર્ક વેબ પર એક જાહેરાત જોઈ, જેમાં હજારો લોકોનો સંવેદનશીલ ડેટા વેચવામાં આવી રહ્યો હતો.
લીક થયેલા ડેટામાં કઈ વિગતો સામેલ છે?
આ ડેટામાં તમિલનાડુની જાણીતી હોસ્પિટલના દર્દીઓના રેકોર્ડનો સમાવેશ થાય છે. તેમાં વર્ષ 2007 થી 2011 સુધીના દર્દીઓની વિગતો છે. ડેટા સેટમાં 1.5 લાખ દર્દીઓના રેકોર્ડનો સમાવેશ થાય છે. આમાં દર્દીઓનું નામ, તેમના વાલીનું નામ, જન્મ તારીખ, ડૉક્ટરની વિગતો અને સરનામું જેવી માહિતીનો સમાવેશ થાય છે.
ડાર્ક વેબ શું છે?
ડાર્ક વેબ એ ઈન્ટરનેટની દુનિયાનો તે ભાગ છે, જ્યાં ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે. તમે સામાન્ય બ્રાઉઝરની મદદથી આ જગ્યાએ પહોંચી શકતા નથી. અહીં પહોંચવા માટે તમારે વિશિષ્ટ બ્રાઉઝરની જરૂર પડશે. સામાન્ય રીતે, તમે Google અથવા Bing જેવા સર્ચ એન્જિનની મદદથી આ વેબસાઇટ્સને ઍક્સેસ કરી શકતા નથી.
અહીં ઓછા લોકો પહોંચતા હોવાથી સાયબર ગુનેગારો અહીં પોતાનો ધંધો ચલાવે છે. ડાર્ક વેબને ખતરનાક માનવામાં આવે છે અને સામાન્ય લોકોને તેમાં જવાની સલાહ આપવામાં આવતી નથી. આના ઘણા કારણો છે.
અહીં તમે છેતરપિંડી, હેકિંગ અથવા સરકારી મોનિટરીંગનો શિકાર બની શકો છો. એક સમયે ફક્ત હેકર્સ, કાયદા અમલીકરણ અધિકારીઓ અને સાયબર અપરાધીઓ ડાર્ક વેબ પર પ્રભુત્વ ધરાવતા હતા. જો કે, અહીં પહોંચવું પહેલા કરતાં વધુ સરળ છે.