રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચમાં મોટા પાયે હોબાળો મચી ગયો હતો. એક સમયે કેપ્ટન રિષભ પંતે પોતાની ટીમને પાછી બોલાવી લીધી હતી તો ચાહકોએ પણ હુરિયો બોલાવ્યો હતો.
IPL 2022માં શુક્રવારે રાત્રે જે હોબાળો થયો તે આખી દુનિયાએ જોયો. અને આ ઘટના સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ ગઈ છે.
ગઈકાલે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (DC vs RR) વચ્ચેની મેચ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. દિલ્હીની ઈનિંગની છેલ્લી ઓવરમાં નો બોલ ન આપવાના કારણે અમ્પાયરોની આકરી ટીકા થઈ રહી છે. આ મેચ જોવા આવેલા સ્ટેડિયમમાં બેઠેલા લોકો પણ અમ્પાયરો પર ગુસ્સે થઈ ગયા હતા.
શું હતો આખો મામલો
રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતવા માટે દિલ્હી કેપિટલ્સ (DC)ને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીની ટીમ આ મેચમાં આરામથી હારી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને આ ટીમને છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. કોઈપણ બેટ્સમેન માટે આ અશક્ય કામ હતું, પરંતુ દિલ્હીના બેટ્સમેન રોવમેન પોવેલે રાજસ્થાન રોયલ્સના બોલર ઓબેડ મેકકોયના પહેલા ત્રણ બોલમાં 3 સિક્સર ફટકારી હતી. ત્રીજો બોલ ફુલ ટોસ હતો અને તે જ બોલ પર નો બોલ હતો.
કેપ્ટન રિષભ પંતે ખેલાડીઓને મેદાનની બહાર બોલાવ્યા
જ્યારે અમ્પાયર દ્વારા 'નો-બોલ' આપવામાં આવ્યો ન હતો ત્યારે દિલ્હીના કેપ્ટન રિષભ પંતે તેના ખેલાડીઓને મેદાનની બહાર બોલાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મેચ થોડો સમય રોકાઈ ગઈ હતી. અંતે દિલ્હી આ મેચ હારી ગયું હતું.
ચાહકોએ હોબાળો મચાવ્યો
આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ પણ હંગામો મચાવ્યો હતો. મેકકોયને નો બોલ ન આપવા બદલ મેદાનમાં અમ્પાયરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મેદાનમાં બેઠેલા લોકોએ અમ્પાયરના નિર્ણયનો સતત વિરોધ કર્યો અને આ દરમિયાન તેઓએ ચીટર-ચીટરના નારા પણ લગાવ્યા. આ જ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જો અમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો હોત તો કદાચ મેચનું પરિણામ કંઈક અલગ જ હોત.
નો બોલના કારણે દિલ્હી હારી ગયું
IPL 2022 ની 34મી મેચમાં, રાજસ્થાન રોયલ્સ (DC vs RR) સામેની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સનો 15 રને પરાજય થયો હતો. નો બોલના કારણે દિલ્હીની મેચ જીતવાની છેલ્લી આશા પણ તુટી ગઈ હતી. દિલ્હીની ટીમ હવે 7માંથી 4 મેચ હારી ગઈ છે અને તે 6 પોઈન્ટ સાથે લીગ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.