Trump gift fraud? Serious allegations against the former president in the US regarding the gift given by PM Modi-Yogi
BIG NEWS /
ટ્રમ્પે ગિફ્ટમાં કર્યો ગોટાળો? PM મોદી-યોગીએ આપેલી ભેટ મુદ્દે USમાં પૂર્વ રાષ્ટ્રપતિ પર લાગ્યા ગંભીર આરોપ
Team VTV01:08 PM, 21 Mar 23
| Updated: 01:16 PM, 21 Mar 23
ડેમોક્રેટ્સ કમિટીના રિપોર્ટમાં ટ્રમ્પ પર આ આરોપો લગાવવામાં આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી નેતાઓ દ્વારા મળેલી 250,000 ડોલર એટલે કે 2.06 કરોડ રૂપિયાની ભેટ જાહેર નહતી કરી
ડોનાલ્ડ ટ્રમ્પ પર 'તોશખાના' જેવો ગોટાળો કરવાનો આરોપ
વિદેશી નેતાઓ દ્વારા મળેલી $250,000 ની ભેટ જાહેર ન કરી
ભારત મુલાકાત દરમિયાન મળી હતી $47,000ની ભેટ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની જેમ 'તોશખાના' જેવો ગોટાળો કરવાનો આરોપ છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ પર એવો આરોપ છે કે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે એમને વિદેશી નેતાઓ દ્વારા મળેલી 250,000 ડોલર એટલે કે 2.06 કરોડ રૂપિયાની ભેટ જાહેર નહતી કરી. સાથે જ આ ભેટોમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલી ભેટ પણ સામેલ છે.
$250,000 ની ભેટ જાહેર ન કરી
જણાવી દઈએ કે યુએસ કોંગ્રેસની ડેમોક્રેટ્સ કમિટીના રિપોર્ટમાં ટ્રમ્પ પર આ આરોપો લગાવવામાં આવ્યા છે. લગાવવામાં આવેલ આરોપ મુજબ ટ્રમ્પે તેમને અને તેમના પરિવારને મળેલી લગભગ 100 વિદેશી ભેટો જાહેર કરી નથી અને જાહેર ન કરેલ ભેટોની કિંમત લગભગ 250,000 ડોલર હતી. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રમ્પ પરિવારને ભારત મુલાકાત દરમિયાન કુલ 17 ભેટ મળી હતી. જેની કિંમત 47,000 યુએસ ડોલર હતી.
ભારત મુલાકાત દરમિયાન $47,000ની ભેટ મળી હતી
ભારત મુલાકાત દરમિયાન આપવામાં આવેલ એ ભેટમાં યોગી આદિત્યનાથ દ્વારા યુએસ $8,500ની ફૂલદાની, $4,600માં તાજમહેલનું મોડલ, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા આપવામાં આવેલ $6600નું ભારતીય ગાદલું અને વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલ $1900ના કફલિંકનો સમાવેશ થાય છે.
2017થી 2021 સુધી અમેરિકી રાષ્ટ્રપતિ રહ્યા ટ્રમ્પ
રિપોર્ટ અનુસાર ડેમોક્રેટ્સ સમિતિની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે વિદેશી સરકારી અધિકારીઓને આ ભેટો વિશે જાણકારી નહતી આપી, જ્યારે ટ્રમ્પે ફોરેન ગિફ્ટ્સ એન્ડ ડેકોરેશન એક્ટ હેઠળ આવું કરવું જોઈતું હતું. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે અને તેઓ વર્ષ 2017 થી 2021 સુધી યુએસના 45માં રાષ્ટ્રપતિ રહ્યા હતા.
આવા જ ગોટાળામાં ફસાયા હતા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પણ આવા જ એક તોશખાના કેસમાં દોષી સાબિત થયા હતા અને એ કારણે પાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાન ખાનની સંસદ સભ્યપદ રદ્દ કરી દીધી હતી. જણાવી દઈએ કે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને મળેલી ભેટ વિશે ખોટી માહિતી આપી હતી.
શું છે તોશખાના કેસ?
તોશખાના એ પાકિસ્તાની કેબિનેટનો એક વિભાગ છે, જ્યાં અન્ય દેશોની સરકારો, રાજ્યોના વડાઓ અને વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટો રાખવામાં આવે છે. પાકિસ્તાના નિયમો અનુસાર અન્ય દેશોના વડાઓ પાસેથી મળેલી ભેટ તોશાખાનામાં રાખવી જરૂરી છે.