આજરોજ આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં પોલીસે આરોપી કલ્પેશ તેના મિત્ર દક્ષેશ સાથે બાઈક લઈને હાઇવે પર જે સ્થળે ઊભો રહ્યો અને જ્યાં તૃષાની હત્યા કરી તે સ્થળ સુધી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું...પોલીસે આરોપી કલ્પેશની સ્થળ પર જ પૂછપરછ કરી કે કઈ રીતે તૃષા પર સૌપ્રથમ હુમલો કર્યો.
આરોપી કલ્પેશ ઠાકોર ઝનૂની સ્વભાવનો: પોલીસ
ક્રાઈમ બ્રાન્ચે આરોપી કલ્પેશ ઠાકોરની ધરપકડ કરી તેના ઘરે અને દુકાન પર પણ લઈ ગઈ હતી જ્યાં પોલીસે આરોપી પાસેથી પાડીયું, કપડાં, બાઈક અને તૃષાનો ફોન કબ્જે કર્યો...ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ કહ્યું કે આરોપી કલ્પેશ ઠાકોર ઝનૂની સ્વભાવનો છે પણ હવે તે અફસોસ વ્યક્ત કરી રહ્યો છે...પોલીસે આરોપીની પુછપરછ કરી વિવિધ પુરાવાઓ પણ ભેગા કર્યા.
તૃષાના ફોનમાંથી આરોપી કલ્પેશ ઠાકોરે ચેટિંગ ડિલીટ કર્યા
પોલીસે કલ્પેશ સામે પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરી છે કારણ કે તૃષાના ફોનમાંથી આરોપી કલ્પેશ ઠાકોરે ચેટિંગ ડિલીટ કર્યા હતા. 3 મહત્વના સાક્ષીઓના કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન નોંધાયા છે, ક્રિષ્ના સખાવત, દક્ષેશ પાટણવાડીયા, સાગર મકવાણા નિવેદન લેવામાં આવ્યા છે. આરોપીએ તૃષાને ઇમોશનલ બ્લેકમેઇલ પણ કરી હતી તેમજ આરોપીએ 20 ડોલો ટેબ્લેટ ગળીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
ફાંસીની સજા આપવાની માંગ
મહત્વની વાત છે કે આરોપી કલ્પેશ ઠાકોરે એકતરફી પ્રેમમાં પાગલ તૃષાની હત્યા કરતાં લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે સાથે જ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.પોલીસ પણ આરોપીને વહેલી તકે સજા મળે તે માટે વહેલી તકે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવાની છે.
આરોપી અને તેનો મિત્ર દક્ષેશ હત્યા બાદ બાઈકમાં દેખાયા
મહત્વની વાત છે તૃષાના હત્યામાં આરોપી કલ્પેશ ઉપરાંત અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા છે. જેના પગલે પોલીસે આરોપીના મિત્ર દક્ષેશ, એક યુવતી સહિત 5 શખ્સોને બોલાવી પૂછપરછ પણ શરૂ કરી છે ત્યારે આગામી સમયમાં હત્યા કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા પોલીસ તપાસમાં સામે આવી શકે છે. તો આ તરફ આજે હત્યા બાદ આરોપી કલ્પેશ ઠાકોર તેના મિત્ર દક્ષેશ સાથે બાઇક પર જતો હોય સીસીટીવી પણ સામે આવ્યા છે. દક્ષેશનું કહેવું છે કે કલ્પેશે કાળા કલરનો શર્ટ પહેર્યો હતો અને તેના કારણે તેમાં લોહીના ડાઘ દેખાયા ન હોતા. હત્યા કાવતરાથી તે અજાણ છે.
એક તરફી પ્રેમમાં 19 વર્ષની તૃષા સોલંકીની તીક્ષ્ણ ઘા મારી હત્યા
વડોદરાના જાંબુવા નેશનલ હાઇવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ નજીક એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષની તૃષા સોલંકીની કરપીણ હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ હતી. મૂળ પંચમહાલની તૃષા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. ગઈકાલે રાત્રે ઘરેથી ટ્યુશન જવા પોતાના ટુ વ્હીલર પર નીકળી ત્યારબાદ સીધી તેની લાશ મળી આવી. આરોપી કલ્પેશ ઠાકોરે યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. યુવતીને મળવા બોલાવી પાછળથી યુવતીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી પાડી દીધી. બાદમાં તેના મોઢાના ભાગે પણ ઘા માર્યા. સાથે જ યુવતીનો હાથ પણ કાપી નાખ્યો. ઘટના બાદ મકરપુરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિત વિવિધ એજન્સીઓએ આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે હત્યા બાદ આખી રાત તપાસ કરી અને આરોપી કલ્પેશ ઠાકોરને તેના માણેજાના ઘરેથી દબોચી લીધો.
આરોપીએ શું કબૂલાત કરી?
પોલીસ પૂછપરછમાં આરોપીએ એકતરફી પ્રેમમાં પાગલ બની તૃષાની હત્યા કરી હોવાની કબૂલાત કરી. આરોપી કલ્પેશ યુવતીને છેલ્લા 4 વર્ષથી પીછો કરી હેરાન કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો. આરોપી કલ્પેશના મિત્ર દક્ષેશ સાથે મૃતક યુવતી અભ્યાસ કરતી હતી. જેથી આરોપીએ યુવતી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો પણ યુવતીએ ના પાડી. બાદમાં આરોપીએ યુવતીને આપઘાતની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ કર્યું. જેથી યુવતી મિત્રતા માટે તૈયાર થઈ. આરોપી અને યુવતી વચ્ચે ત્રણ વર્ષ મિત્રતા રહી બાદમાં યુવતી અભ્યાસ માટે પોતાના વતનમાં જતી રહી. જેથી આરોપી સાથેની મિત્રતા તુટી ગઈ. બાદમાં બે મહિના અગાઉ યુવતી ફરીથી પોતાના મામાના ઘરે આવતા આરોપીએ યુવતીને મળવા માટે દબાણ કર્યું. પણ યુવતીએ મળવાની ના પાડતા આરોપી કલપેશે યુવતીની હત્યાનો પ્લાન બનાવ્યો.