દીપાવલીના સપરમા દિવસોમાં ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનારી યુવતીની પતિએ જ ઘરમાં ઘૂસી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.જે હાથે,પરિણીતાના સેંથામાં સિંદૂર પુરાયું હતું,તે હાથે જ મળ્યું મોત
દિવાળીના દિવસોમાં પતિએ કરી પત્નીની હત્યા
પ્રેમ લગ્નનો કરુણ અંજામ; પતિએ હૂલાવી છરી
પતિએ પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ;પોલીસ તપાસ
દીપાવલીના સપરમા દિવસોમાં ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનારી યુવતીની પતિએ જ ઘરમાં ઘૂસી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સાત જન્મ સાથે રહેવાના વાયદા નિભાવવાના કોલ સાથે બંધાયેલી છેડા છેડીમાં એવી તો ગાંઠ પડી ગઈ કે, જે હાથે,પરિણીતાના સેંથામાં સિંદૂર પુરાયું હતું,તે હાથે જ યુવતીને મોત મળ્યું.
એક વર્ષમાં જ સંસાર 'અસાર'
ભાવનગરની સરિતા સોસાયટીમાં રહેતી યુવતી ચાર્મી નાવડીયાએ એક વર્ષ પહેલા વિશાલ વાઘેલા નામક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આકાશમાંથી ચાંદ-સિતારા તોડી લાવી જીવનની પ્રત્યેક પળમાં તેને સજાવવાના કોલ સાથે થયેલા પ્રેમ લગ્નમાં જ્યારે હતાશાના વખડા ઘોળાય છે ત્યારે, જે મન;સ્થિતિ થાય,તેવી જ અનૂભૂતિ માત્ર 19 વર્ષીય ચાર્મીને પણ થવા લાગી. પ્રેમી સાથે લગ્ન પછી સુરત સ્થાયી થયેલી ચાર્મીને,પતિ વિશાલે પરેશાન કરવાનું શરુ કરી દીધુ. પરિણામે, ગૃહ સંસારમાં તણખા ઝરવા લાગ્યા. આ તણખા,ચાર્મીને અંદરથી અગન જવાળા જેવા લગતા,કેટલાક સમય બાદ તેણી ભાવનગરમાં પિતૃ ગૃહે આવી ગઈ. પ્રેમીમાંથી પતિ બનેલા વિશાલ પર કોઈ અગમ્ય ઝનૂન સવાર હતું.તે પણ સુરત છોડી ભાવનગર આવી ગયો અને પત્ની ચાર્મીને ફરીથી પરેશાન કરવા લાગ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા માંડ્યો. માનસિક રીતે ભાંગી પડેલી ચાર્મીએ નજીકના પોલીસ મથકમાં આ અંગે જાણવાજોગ અરજી પણ આપી હતી.
પત્નીને મોતને ઘાટ ઉતારી,પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ભાવનગર પરત આવેલી ચાર્મી પાછળ આવેલો પતિ વિશાલ,વારંવાર ચાર્મીની પજવણી કરતો. વિશાલે આ દરમિયાન ચાર્મીની રેકી પણ કરી હતી. દિવાળીના દિવસમાં ચાર્મી ઘરમાં એકલી હતી ત્યારે, વિશાલ તેના મિત્રો સાથે ઘરમાં ઘૂસી આવ્યો અને પત્ની ચાર્મીને છરીના ઘા મારી,મોતની સોડમાં ખેંચી ગયો. આ ઘટના બાદ, વિશાલનું ઝનૂન ઓછું થયું,અને પોતે શું કરી બેઠો તેનો ખ્યાલ આવતા, પોતે પણ પેટમાં છરી હુલાવી હતી. સોસાયટીના અન્ય મકાનમાં લગાવાયેલા CCTVમાં બે શખ્સો,મકાનમાં જતા પણ કેમેરામાં કેદ થયા છે.
પ્રેમ;ખુલ્લી આંખે સપનાનો વાયદો
પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ,પ્રેમનિભાવવાની પણ એક કળા છે. ભાવનગરના આ કિસ્સામાં,કદાચ પ્રેમનો અંશ ઓછો હોય, હવે પોલીસ એ દિશામાં તપાસ કરશે કે,ચાર્મીનો પતિ વિશાલ આખરે ઈચ્છતો શું હતો. એવી કઈ બાબત છે કે, વિશાલે ચાર્મીને ઝનૂનપૂર્વક મોતને ઘાટ ઉતારી.