જાત મહેનત જિંદાબાદ... / અરવલ્લીમાં ગ્રામજનો દ્વારા પુલ બનાવવામાં આવી રહ્યો છે

જાત મહેનત જિંદાબાદ... સરકાર ન સાંભળે તો શું થયું, હજૂ અમારા બાવડામાં બળ છે. આવું અમે નહીં પરંતુ અરવલ્લીના ખડોલ ગામના ગ્રામજનો કહી રહ્યા છે. શા માટે તે આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે. જેમાં ગ્રામજનો જાત મહેનતે નદી પર પુલ બનાવવાનું કામ કરી રહ્યા છે. કારણ કે, વર્ષોથી રજૂઆતો કરી-કરીને લોકો થાકી ગયા છે. છતાં આજદીન સુધી સરકારે કે ન તો સરકારના તંત્રએ લોકોની રજૂઆતો કાને લીધી છે. ખડોલ ગામના લોકોએ અંતે જાતે જ ફાળો ઉઘરાવી પુલ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ પુલ વાત્રક નદી પર બનાવવામાં આવી રહ્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે, ગ્રામજનો જાતે જ માટી નાખી પુલ બનાવવા મથી રહ્યા છે. આવું કરવા માટે આજે આ લોકો એટલા માટે મજબૂર છે. કારણ કે, બાયડ જવા માટે 22 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. જ્યારે આ પુલ બની જવાથી માત્ર 5 કિલોમીટરમાં જ બાયડ પહોંચી શકાય છે. એટલે કે, 17 કિલોમીટરનું અંતર ઓછું થઈ જાય છે. ગ્રામજનોની માગ છે કે, સરકાર અમારા તરફ જુએ અને મદદ કરે. ત્યારે જોવાનું એ રહેશે કે, વિકાસની વાતો કરતી સરકાર ખડોલ ગામ સાથે અનેક ગામની સમસ્યાના નિવારણ માટે ક્યારે પગલા ભરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ