ટીમ ઇન્ડિયા માટે વર્ષ 2023 ઘણું મહત્વનું છે, કારણ કે આ વખતે વન-ડે વર્લ્ડકપ ઘરઆંગણે જ રમાવાનો છે. ભારતે ઘરઆંગણે રમાયેલી વન ડે શ્રેણીમાં શ્રીલંકા અને હવે ન્યુઝીલેન્ડને હરાવીને વર્ષનો શાનદાર પ્રારંભ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે ઈન્દોરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વન ડે મેચમાં પણ જીત મેળવતાની સાથે જ નવો રેકોર્ડ હાંસલ કરી લીધો છે.
ભારતીય ટીમ વન-ડે રેન્કિંગમાં બની નંબર-1
ભારતીય ટીમ હવે વન-ડે રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે, તે પહેલાથી જ ટી-20 રેન્કિંગમાં નંબર-1 પર હતી. ટીમ ઈન્ડિયાનો હવે રેન્કિંગમાં દબદબો જોવા મળી રહ્યો છે અને ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં આગળ વધી રહી છે અને તેની નજર સીધી વન ડે વર્લ્ડ કપ 2023 પર છે.
ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર-2 પર
વન-ડે અને ટી-20 ઉપરાંત ટેસ્ટ રેન્કિંગ પર નજર કરવામાં આવે તો ભારત પણ નંબર-2 પર છે અને ઓસ્ટ્રેલિયા નંબર-1 પર છે. ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરીમાં ભારત ચાર મેચની ટેસ્ટ સિરિઝ રમવાનું છે અને જો તેમાં જીત મેળવે તો ટેસ્ટ રેન્કીંગમાં પણ નંબર વન બની જશે.
ભારતે ન્યૂઝીલેન્ડનો કર્યો વ્હાઈટ વોશ
ન્યૂઝીલેન્ડ સામે ઈન્દોરમાં રમાયેલી મેચમાં ભારતે નવ વિકેટે 385 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે 112 જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 101 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 54 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને બ્લેયર ટિક્નેરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 295 રન બનાવી શકી હતી, ડ્વાન કોન્વેએ ન્યૂઝીલેન્ડ માટે 138 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી આ મેચમાં કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ લીધી હતી, યુઝવેન્દ્ર ચહલને 2 વિકેટ મળી હતી. ભારતે આ શ્રેણી 3-0થી જીતી લીધી હતી.