surat former congress president rahul gandhi will be present to hear the decision of surat court
નિર્ણય /
23મી માર્ચે રાહુલ ગાંધી પર સુરત કોર્ટ સંભળાવશે ચુકાદો: પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ, જાણો વિગતવાર
Team VTV10:37 AM, 21 Mar 23
| Updated: 10:40 AM, 21 Mar 23
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે કરેલી ટીપ્પણી મામલે સુરત શહેરની કોર્ટમાં 23 માર્ચે નિર્ણય સંભવતઃ આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી હાજર રહેશે.
મોદી અટકની ટિપ્પણી પર માનહાનિનો કેસ
23 માર્ચે સુરત કોર્ટમાં હાજર રહેશે રાહુલ ગાંધી
સુરતની કોર્ટ 23મીએ સંભળાવશે ચુકાદો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત શહેરની કોર્ટમાં સંભવતઃ 23 માર્ચે નિર્ણય આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહેશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?'
ગત શુક્રવારે યોજાઈ હતી સુનાવણી
ગુજરાત મોઢ વણિક સમાજના નેતા, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માનીની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે સંભવિત નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી.
રાહુલ ગાંધી પણ રહેશે હાજર
રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું કે, કોર્ટના નિર્ણયના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર રહેશે. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. રાહુલ ગાંધી છેલ્લે ઓક્ટોબર 2021ના રોજ કોર્ટમાં હાજર થયા હતા, ત્યાર બાદ તેમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને આ વિશે જાણકારી નથી અને તેઓ નિર્દોષ છે. તેમના વકીલનું પણ એવું જ કહેવું છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ દસ્તાવેજી પુરાવા નથી અને કોઈ પણ રાજનેતા 13 કરોડની વસ્તી ધરાવતા સમાજ વિશે ખોટા નિવેદનો નહીં આપે. રાહુલ ગાંધીએ મોદી સમાજ પર નહીં પણ નરેન્દ્ર મોદી, લલિત મોદી, નીરવ મોદી અને અન્યના નામ લઈને ટિપ્પણી કરી હતી. તો પૂર્ણેશ મોદીના વકીલે કોર્ટમાં પુરાવા તરીકે રાહુલ ગાંધીના નિવેદનની સીડી અને પેન ડ્રાઈવ રજૂ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.