સુરત પોલીસ છેલ્લા ઘણા સમયથી શહેરમાં NO DRUGS IN SURAT CITY કેમ્પેન ચલાવી રહી છે. જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને MD ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે.
સુરતના સચિન-નવસારી રોડ ઉપરથી ઝડપાયું MD ડ્રગ
સુરત ક્રાઈમ બ્રાંચનું સફળ ઓપરેશન
આરોપી 4 મહિનાથી કરતો હતો કાળો કારોબાર
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે સુરત-નવસારી રોડના સચિન નજીકના કપ્લેથા ચેક પોસ્ટ પાસે મુંબઈથી સુરત તરફ આવી રહેલી કા૨ને અટકાવી તપાસ હાથ તેમાંથી 100.26 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેથી પોલીસે મોહંમદ સિદિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાળાની ધરપકડ કરી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ અને કાર સહિત મોબાઈલ ફોન મળીને કુલ રૂ.13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના સચિન-નવસારી રોડ ઉપરથી ઝડપાયું MD ડ્રગ
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતો મોહંમદ સિકિ અબ્દુલ કાદર કા૨માં એક મહિલા સાથે મુંબઈથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યો છે. જેથી પોલીસે બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે સુરત નવસારી રોડના સચિન નજીકના કપ્લેથા ચેક પોસ્ટ પાસે ગોઠવાઈ ગયા હતાં. તે દરમિયાન મુંબઈથી સુરત તરફ આવી રહેલ કા૨ને અટકાવી કારના ચાલક મોહંમદ સિદ્દીકી તાપસ હાથ ધરી હતી.
સુરત ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન
તપાસ દરમિયાન પોલીસને કારની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલ 100.26 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 10 લાખથી વધુની હતી તે મળી આવતા પોલીસે મોહંમદ સિદિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાળાની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ અને કાર સહિત મોબાઈલ ફોન મળી રૂ. 13,12,870 નો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં મોહંમદ સિદિક ઉર્ફે રાજાએ તેની પાસેથી ક્બજે લેવાયેલ મેફેડ્રોન મુંબઈ ખાતે રહેતા રાજા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજાને વોન્ટેડ જાહેર કર્યો હતો .
પોલીસે બાતમીના આધારે મોહમ્મદ સિદ્દીકની ધરપકડ કરી
મહત્વનું છે કે, એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયેલા મોહંમદ સિદિક ઉર્ફે રાજાએ મુંબઈથી સુરત કારમાં પરત ફરતી વખતે પત્ની અને સગર્ભા પુત્રીને અંધારામાં રાખી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. મોહંમદ સિદિક ઉર્ફે રાજા એ તેની કારમાં પોલીસની નજરથી બચવા માટે મહિલાઓને કારમાં બેસાડી હતી. આમ મોહમ્મદ સિદ્દીક એમ.ડી. ડ્રગ્સ લાવનાર હોવાની ચોક્કસ બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખી કપ્લેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જેમાં આરોપી આબાદ ઝડપાઇ ગયો હતો.
મોહમ્મદ સિદ્દીક અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં ઝડપાઇ ચુક્યો છે
ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધિત ડ્રગ સાથે પકડાયેલ આરોપી મોહમ્મદ સિદ્દીક અગાઉ પણ પોલીસ ના હાથે અલગ અલગ ગુનાઓ માં ઝડપાઇ ચુક્યો છે. હવે જ્યારે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ સાથે પકડાયો છે ત્યારે આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ ની આખી ચેઇન બાબતે તપાસ કરવામાં આવશે અને સુરતમાં ડ્રગ્સ લાવી ને તેનો ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવશે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.