PM નરેન્દ્ર મોદીનું નામ ખરાબ ન થાય તેને લઈ રાજીનામું આપ્યું: હિતેશ પંડ્યા
પ્રધાનમંત્રીએ મારૂ ઘડતર કર્યું છે: હિતેશ પંડ્યા
મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાએ ગઈકાલે રાજીનામું આપી દીધું છે. મહાઠગ કિરણ પટેલ કેસમાં હિતેશ પંડ્યાના દીકરા અમિત પંડ્યાનું નામ સામે આવ્યું હતું જેને લઈ હિતેશ પડ્યાંએ રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ પીઆરઓ હીતેશ પંડ્યા સાથે vtvએ ખાસ ચર્ચા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ખરાબ ન થાય તેને લઈ રાજીનામું આપ્યું છે તેમ હિતેશ પંડ્યાએ જણાવ્યું છે.
vtv સાથે વાતચીતમા હિતેશ પંડ્યાનો સ્વીકાર
હિતેશ પંડ્યાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ મારૂ ઘડતર કર્યું છે. vtv સાથે વાતચીતમા હીતેશ પંડ્યાએ કહ્યું કે, કિરણ પટેલ ભૂતકાળમાં સીએમઓ, ગૃહમંત્રીના નામનો ઉપયોગ કરતો હતો. તેમણે કહ્યું કે, અમિત પંડ્યાને પૂછપરછ માટે બોલાવ્યો છે અને પીએમઓનું નામ વટાવનાર કિરણ પટેલની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે, અમિત તથા કિરણ આઈટી કંપનીમા સાથે કામ કરતા હતા. હિતેશ પંડ્યાએ કહ્યું કે, ભાજપ આઈટી સેલમાં રીશફલિંગ પછી કામ બંધ કર્યું છે અમિત પંડ્યાને ભાજપ આઈટી સેલમા કાઢવામાં આવ્યા નથી.
શું હતો સમગ્ર મામલો ?
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. જેના સંપર્કમાં અમિત પંડ્યા હોવાની ચર્ચા વહેતી થઈ હતી.
કિરણ પટેલ મામલે અનેક ખુલાસા
અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ અંગે વધુ એક ખુલાસો થયો છે. જમીની હકીકત પરથી VTV NEWSએ પરદો ઉચક્યો હતો. હાઈ પ્રોફાઈલ જીવન જીવતા કિરણ પટેલની વતનમાં અલગ છબી છે. કરોડોના બંગલામાં રહેતા કિરણ પટેલની માતા જર્જરિત મકાનમાં રહે છે. દીકરાના કારસ્તાનના કારણે માતાએ પણ ઘર છોડ્યું હતું. લક્ઝુરિયસ ગાડીઓમાં રોફ જમાવતા કિરણની માતા એકલવાયું જીવન જીવે છે. ગામના લોકોએ પણ ઠગની સ્થિતિનું વર્ણન કર્યું છે.
કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલા પર બગાડી હતી નજર
PMOમાં નોકરી કરું છું અને મારી બહુ મોટી ઓળખાણ છે આવું કહી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલા પર કિરણ પટેલે નજર બગાડી હતી. મોટી મોટી ઓળખાણો આપીને અને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડાનોનો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું. જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો દાવો મુક્યો હતો. વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
અનેક લોકોને છેતરી ચૂક્યો છે મહાઠગ કિરણ પટેલ
આપને જણાવી દઈએ કે, કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.