Stackwise Technology Center in Vadodara sealed after paper leak
વડોદરા /
પેપર લીકની ઘટના બાદ નેશનલ ટેક્નોલોજી એજન્સી એક્શનમાં: લીધો મહત્વનો નિર્ણય, 400 વિદ્યાર્થીઓને થશે સીધી અસર!
Team VTV10:46 AM, 31 Jan 23
| Updated: 10:52 AM, 31 Jan 23
જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ વડોદરાનું સ્ટેકવાઇઝ ટેકનોલોજી સેન્ટર સીલ, 400 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અન્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું.
વડોદરાનું સ્ટેકવાઇઝ ટેક્નોલોજી સેન્ટર સીલ
400 વિદ્યાર્થીઓને અન્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું
JEEની પરીક્ષા માટે અન્ય કેન્દ્રની ફાળવણી
જુનિયર ક્લાર્કના પેપર લીક કાંડમાં વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવતા ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યું છે. જેના કારણે આવતીકાલે યોજાનારી JEEની પરીક્ષા માટે જે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર માટે સ્ટેકવાઇઝ ટેકનોલોજી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. તેમનું પરીક્ષા કેન્દ્ર હવે બદલી નાખવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓને હરણી વિસ્તારમાં આવેલું ઝવેર એસોસિએટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
પેપર કાંડના એપી સેન્ટર સ્ટેકવાઇસ ટેક્નોલોજી સીલ
જુનિયર ક્લાર્કના પેપર લીક પ્રકરણમાં પ્રમુખ બજાર કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેકવાઇસ ટેક્નોલોજીને પોલીસે સીલ કરી દીધું હતું. જે બાદ અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ લેવામાં આવનાર JEEની પરીક્ષા માટે 400 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર માટે વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઇઝ ટેકનોલોજી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ અને વાલીઓ મુકાયા હતા મુંઝવણમાં
જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની પરીક્ષા ક્યાં લેવાશે તે અંગે સતત નેશનલ ટેક્નોલોજી એજન્સીની પૂછપરછ કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં ફોન કરીને તેમનાં સંતાનો ક્યાં પરીક્ષા આપશે અને પરીક્ષા લેવામાં આવશે કે નહીં તે અંગેની પૃચ્છા કરી હતી. તો એનટીએમાંથી વાલીઓને બાંહેધરી અપાઇ હતી કે, વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયે જ લેવાશે અને નવું સેન્ટર ફળવાશે જેના માટે તેમને ફોન કે ઇ-મેઇલના માધ્યમથી જાણ કરાશે.
નેશનલ ટેક્નોલોજી એજન્સીએ લીધો નિર્ણય
સ્ટેકવાઇસ ટેક્નોલોજીને સીલ કરાયા બાદ નેશનલ ટેક્નોલોજી એજન્સીએ વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર બદલવા લીધો નિર્ણય હતો. નેશનલ ટેક્નોલોજી એજન્સીએ જેઇઇની પરીક્ષાના 400થી વધારે વિદ્યાર્થીઓને હરણી રોડ પર આવેલું ઝવેર એસોસિએટ ખાતે પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે.
ક્લાસીસ પર ત્રાટકી હતી ATSની ટીમ
વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસ પર શનિવારે મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. ATS દ્વારા ધરપકડ કરાયેલા શખ્સોના CCTV આવ્યા સામે હતા. જે મુજબ રાત્રે 2:21 વાગ્યે ATSની ટીમ 15 આરોપીઓને લઈને રવાના થઈ હતી. એટીએસ દ્વારા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ATSની ટીમને કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા હતા.
સંચાલક ભાસ્કર ચૌધરી મામલે પણ ખુલાસો થયો
વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસને સીલ કરવામાં આવ્યું હતું. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી ઝડપેલા એક આરોપી પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મળી આવ્યું હતું. પેપરલીક કાંડના આરોપી ભાસ્કર ચૌધરી મામલે પણ ખુલાસો થયો હતો. જેમાં આરોપી ભાસ્કર ચૌધરી પોતાને શિક્ષણ ક્ષેત્રમાં નંબર વન એક્સપર્ટ ગણાવતો હતો. એટલું જ નહિ તે ક્લાસીસ ચલાવતો જેમાં JEE સહિતની પરીક્ષાઓ પણ લેવાતી હતી. ભાસ્કર ચૌધરીનું દિલ્હીમાં પણ એક ક્લાસીસ આવેલું છે. દિલ્હીથી પણ અન્ય રાજ્યમાં એડમિશન અપાવતો હતો. તેમજ ગુજરાત બહાર મેડિકલ-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એડમિશન પણ અપાવતો હતો. સાથે કોલેજો-યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવા માટે કન્સલ્ટિંગનું પણ કામ કરતો હતો. જાણવા મળતી વિગત અનુસાર છેલ્લા 10 વર્ષમાં 90 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન અપાવ્યાનો દાવો કરતો હતો.