સ્ટેમ્પ્સ ખરીદીને 15 એપ્રિલ પહેલા બંને પક્ષોની સહી કરાવેલી હશે તો મિલકતમાં જૂનો જંત્રી દર લાગુ કરી શકાશે. જાણો વિસ્તૃત વિગત.
જંત્રી દર મામલે મહેસુલ વિભાગ દ્વારા ચોખવટ કરી
તો મિલકતમાં જૂની જંત્રી દર લાગુ કરી શકાશે
15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી કરાવેલ હોવી જોઈએ
તાજેતરમાં સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરાયા બાદ માંગ ઉઠતા 15 એપ્રિલ સુધીની મુદત આપવામાં આવી છે. જેને લઇને અરજદારોની જૂના જંત્રીદરનો લાભ લેવા માટે કચેરીએ લાઈનો લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મહેસુલ વિભાગ દ્વારા ચોખવટ કરી જણાવવામાં આવ્યું કે 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી કરાવેલી હશે તો મિલકતમાં જૂની જંત્રી દર લાગુ કરી શકાશે અને ત્યારબાદ ચાર મહિના સુધી ગમે ત્યારે તે નોંધણી કરાવી અને તેનો લાભ લઈ શકાશે. મહત્વનું છે કે એક બાજુ જમીન અને સ્થાવર મિલકતોમાં જંત્રીનો 15 એપ્રિલથી નવો ભાવ લાગુ કરવા જઈ રહ્યો છે. ત્યારે મહેસુલ વિભાગના આ પ્રકારની સ્પષ્ટતા સમજૂતી આપી છે.
રજાના દિવસોમાં પણ સબ રજીસ્ટાર કચેરી ધમધમશે
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32 ક ના અમલ માટે રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતોના જંત્રી 2011 ના ભાવમાં 15 એપ્રિલથી વધારો કરી અને નવો ભાવ અમલમાં મૂકવામાં આવશે. જેના ભાગરૂપે 15 એપ્રિલ બાદ નોંધણી કરાતા દસ્તાવેજો મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર 15 એપ્રિલ પહેલા પક્ષકારો વચ્ચે મિલકત વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરાયેલો હશે અને 15 એપ્રિલ બાદ બાનાખતમાં સમાવેશ થતી મિલકતનો પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરાશે તેવા કિસ્સામાં વધારેલા ભાવ મુજબ થતી મિલકતની બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટીની રકમ બાનાખત ઉપર 300 થી વધુ રકમની વાપરેલા સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી રકમ મજરે ગણાશે. વધુમાં 4 એપ્રિલ, 7 ને 8 એપ્રિલના રોજ રજાના દિવસોમાં પણ સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણી ચાલુ રાખવામાં આવશે.
આવા કિસ્સામાં વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં
ખાસ ઉલ્લેખ કરાયો કે દસ્તાવેજો માં 15 એપ્રિલ પહેલા એટલે કે તારીખ 14 4 સુધીમાં પક્ષકારોની સહી થઈ ગઈ હોય અને નોંધણી માટે તૈયાર હોય તેમજ રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાવેલ હોય તેવા દસ્તાવેજ માટે સહી કર્યાની તારીખથી ચાર માસ સુધી નોંધણી માટે રજૂ થઈ શકશે અને આવા દસ્તાવેજો ને વધારેલો જંત્રી ભાવ લાગુ પડશે નહીં તે જૂના જંત્રી દર મુજબ મિલકતની કિંમત અને સ્ટેમ્પ ડ્યુટી ગણી નોંધણી થઈ શકશે.