બાપુનો કાર્યકાળઃ શંકરસિંહનો સાતમો રાજકીય પક્ષ NCP, રાજકારણમાં પક્ષાંતરનો રચ્યો વિક્રમ

By : admin 11:31 PM, 29 January 2019 | Updated : 11:31 PM, 29 January 2019
ગુજરાતના રાજકારણના જૂના અને પ્રખર ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલાને સાતનો આંકડો ફળતો હતો. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમને આ આંકડો નડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ 1997માં સીએમ પદની સત્તા છોડી હતી. ત્યારે 2017માં તેમને પંજાનો સાથ છોડ્યો હતો. એક જમાનામાં રાધનપુર બેઠક પરથી સાત શંકર વચ્ચે બાપુ વિજયી થઈને પોતાનો વટ બતાવ્યો હતો. પરંતુ હવે તેમને સત્તા સાથ આપતી ન હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક પક્ષ બદલ્યા બાદ હવે એનસીપીમાં બાપુ શું કરી શકશે? 

સત્તાની સાતમારી....
શંકરસિંહ વાઘેલાએ સાતમી વખત પક્ષાંતર કર્યું છે. ગુજરાતના રાજકારણમાં પક્ષાંતર કરવાનો તેમનો વિક્રમ સ્થાપિત થયો છે. તેમનો સાતમો રાજકીય પક્ષ NCP છે. પહેલાં તેઓ જનસંઘ-જનતાદળ, ભાજપ, રાજપા, કોંગ્રેસ અને જનવિકલ્પ મોરચો રચી ચૂક્યા છે. અનેક ઉતાર ચઢાવ બાદ તેમને ગુજરાત અને દેશમાં પોતાનું મહત્વ બતાવ્યું હતું. જોકે હવે બાપુની વિશ્વસનિયતા સામે સવાલ ઉઠી રહ્યા છે.

તેમનો રાજકીય સફરની...
21 જુલાઈ, 1940માં શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વાસણ ગામમાં થયો હતો. માતા નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા, તેમને છ સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ વાસણ ગામની સરકારી સ્કૂલમાં થયું હતું. ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી બાપુએ પ્રાપ્ત કરી હતી. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. પછી 1969થી જનસંઘ-જનતાદળ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં રહ્યાં હતા. ગુજરાતમાં RSSમાં અને ભાજપમાં સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. તેઓ 1977થી 6, 9, 10, 13, 14મી લોકસભામાં 5 વખત ચૂંટાયા હતા. 1984થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1977થી 1980 સુધી ગુજરાત જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહામંત્રી અને પ્રમુખ તરીકે કામ રહી ચુક્યા છે. 1995માં ભાજપે 121 બેઠકો સાથે ગુજરાતમાં સત્તા મેળવી હતી અને કેશુબાપાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે શંકરસિંહે આ વાતનો વિરોધ કર્યો હતો. બાદમાં બાપુ 20 ઓગસ્ટ, 1996માં ભાજપથી અલગ થયા હતા. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરીને પોતાની સરકાર બનાવી હતી.

તેઓ 12માં મુખ્ય પ્રધાન તરીકે થોડો સમય રહ્યાં
ગુજરાતના મુખ્ય પ્રધાનોમાં ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી છે. 

મુખ્યપ્રધાન મટી ગયા ત્યારથી તેમની પડતી શરૂ
બાપુ આજે પણ મુખ્યમંત્રી બનવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જ્યારથી તેઓ મુખ્યપ્રધાન મટી ગયા ત્યારથી તેમની પડતી શરૂ થઈ હતી. તેમની સાથે જોડાયેલા સાથીઓ પરેશાન થઈ ગયા હતા. તેથી સાથીઓએ પણ શંકરસિંહનો સાથ છોડી દીધો છે. હવે તેઓ એકલા અટુલા પડી ગયા છે.   

ફાયદો કોંગ્રેસને નથી પણ ભાજપને...
મે, 2004માં તેઓ કેન્દ્રીય કપડામંત્રી બન્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. ભારત પ્રવાસન વિકાસ નિગમના ચેરમેન તરીકે પણ તેમને કામ કર્યું હતું. તેઓ 13મી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા હતા. બાપુ પહેલાં જનસંઘ, જનતાદળ, ભાજપ, રાજપા, કોંગ્રેસ, જનવિકલ્પ અને હવે NCP એમ પાર્ટીઓ બદલતા જાય છે. તેઓએ પોતે રચેલા પક્ષના તેઓ થયા નથી. વાઘેલા જે કંઈ કરી રહ્યાં છે તેનાથી સીધો ફાયદો કોંગ્રેસને નથી પણ ભાજપને છે. અગાઉ તેમણે પોતાના વિશ્વાસુ સાથીઓ, પુત્ર અને વેવાઈનો રાજકીય ભોગ લીધો હતો. કોંગ્રેસમાં તક મળતાં તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બંધ કરી દીધી હતી. 2017માં બનેલી જનવિકલ્પ પાર્ટીનું બાળમરણ કરી નાંખ્યું હતું. આ પાર્ટી તેમણે સત્તા હાંસલ કરવા બનાવી હતી, પરંતુ તેઓ શાસનના બે વર્ષ પણ પૂર્ણ કરી શક્યા ન હતા.

ભાજપની સરકાર ઉથલાવી...
શંકરસિંહ વાઘેલાએ પહેલો બળવો સપ્ટેમ્બર, 1995માં કર્યો હતો. તેમણે છ મહિના જૂની કેશુભાઇ પટેલની સરકાર ઉથલાવી હતી. ત્યાર પછી તેમણે સપ્ટેમ્બર, 1996માં સુરેશ મહેતાની ભાજપની સરકાર ઉથલાવી હતી. તેઓ મુખ્યમંત્રી બન્યા પરંતુ કોંગ્રેસનો ટેકો હોવાથી તેઓ લાંબો સમય શાસન કરી શક્યા નહીં. તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાની ધમકી આપતાં શંકરસિંહે તેમના સાથી દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવ્યા હતા.  

ભાજપના રાજ્યસભાના તેમના સાથી ઉમેદવારને સમર્થન આપ્યું
1998માં તેમણે બનાવેલા પક્ષ રાજપાને વિધાનસભાની ત્રણ બેઠકો મળી હતી. છેવટે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. શંકરસિંહ વાઘેલા UPAના શાસનમાં કેન્દ્રીય કાપડ મંત્રીનો હોદ્દો ભોગવી ચૂક્યાં છે. ભાજપના કહેવાથી 2017માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના રાજ્યસભાના તેમના સાથી ઉમેદવારને સમર્થન આપ્યું હતું. તેમણે ભાજપ સાથે જોડાઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ વિફળ રહ્યો હતો. 

14 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો...
હવે શંકરસિંહ વાઘેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. તેમણે NCPમાંથી બે-બેઠકો માગી છે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેમનો આ વિદ્રોહ નોંધપાત્ર ભૂમિકામાં રહ્યો હતો. તેમનાં સહિત કુલ 14 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં જો બધુ યોગ્ય થયું અને મતદારોએ મત આપ્યા તો શંકરસિંહ વાઘેલા સંસદસભ્ય થશે, પરંતુ જો તેઓ હારી ગયા તો ફરી પાછા નવા પક્ષની શોધમાં રહેશે. 

વાંકું પાડીને તેઓ કોંગ્રેસથી અલગ થયા...
તેઓ કોંગ્રેસમાં જ્યાં સુધી રહ્યા, ત્યાં સુધી કોંગ્રેસ સત્તાની નજીક પણ આવી શકી ન હતી અથવા આવવા દીધી ન હતી. તેઓ હંમેશાં એવું કહીને વાંકું પાડતાં હતા કે, તેમને કોંગ્રેસ દ્વારા ખુલ્લો દૌર આપવામાં આવતો નથી. આમ વાંકું પાડીને તેઓ કોંગ્રેસથી અલગ થયા અને તેમણે 2017ની વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા માટે અને ભાજપને જીતાડવા માટે નવો પક્ષ કે મોરચો બનાવ્યો હતો. જેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતા અને ફરી એક વખત સત્તા માટે હવાતીયા મારી રહ્યા છે.  Recent Story

Popular Story