લોકરક્ષક દળ દ્વારા પહેલાથી પારદર્શી ભરતી પરીક્ષા થશે તેવુ વારંવાર કહેવામાં આવ્યું છે. તેમજ કોઈ લે ભાગું તત્વો આ ભરતીમાં રૂપિયા પડાવવાના કારસા રચ્યા હોવાનો ખુલાસો થયો છે. વગર મહેનતે સરકારી નોકરીની લાલચમાં રાજકોટમાં LRD-PSI ભરતીના નામે કૌભાંડ ઝડપાયુ છે. એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રૂ.1 લાખથી માંડીને રૂ.5 લાખ સુધીની રકમની ઉઘરાણી કરી
રાજકોટમાં LRD-PSI ભરતીના બારોબાર શારીરિક કસોટીમાં વહીવટ કરવાના બહાને એક મહિલા સહિત 2 આરોપીઓએ 12 જેટલા ઉમેદવારોને કૌભાંડનો ભોગ બનાવ્યા છે. ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપીને ક્રિષ્ના શાહ નામની મહિલાએ ઉમેદવારો પાસેથી રૂ.1 લાખથી માંડીને રૂ.5 લાખ સુધીની રકમની ઉઘરાણી કરી હતી. વગદાર નેતાની ભત્રીજી હોવાની ઓળખ આપીને આચરવામાં આવેલા આ કૌભાંડમાં અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રિષ્ના શાહ અને જેનીસ પરસાણા નામના આરોપીને હાલ ઝડપી લેવામાં આવ્યા છે.
સીધા જોઇનિંગ લેટર આપવાની આપી હતી લાલચ
કુલ 12 જેટલા ઉમેદવારો પાસેથી અત્યાર સુધી સીધા જોઇનિંગ લેટર આપવાની લાલચ આપી રૂ.15 લાખ પડાવ્યા હતા. પણ હાલમાં જ જાહેર થયેલા શારીરિક કસોટીના પરિણામમાં એક પણ વહીવટ કરેલ ઉમેદવારનું નામ ન આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને લાલચે ગયેલા ઉમેદવારો અને તેમના પરિવારને આરોપી શખ્સો રૂપિયા પડાવી ગયા હોવાનું ભાન રહી રહીને થયું હતું. જે બાદ સમગ્ર મામલાને પોલીસ સમક્ષ લઈ જવામાં આવતા તાબડતોબ રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ક્રિષ્ના શાહ અને જેનીસ પરસાણાને પોલીસ જાપ્તામાં લઈ સધન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
કોઇ પૈસા લઇ નોકરી અપાવવાનું કહે તો પોલીસને જાણ કરોઃ હસમુખ પટેલ
LRD-PSI ભરતીના નામે કૌભાંડ મામલે LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ કરીને લખ્યું કે, રાજકોટમાં બે ઇસમો વિરુદ્વ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. કોઇ પણ ઉમેદવારે લાલચમાં આવવું નહીં, કોઇ પૈસા લઇ નોકરી અપાવવાનું કહે તો પોલીસને જાણ કરો.
ભરતીમાં લાલચ આપી પૈસા પડાવનાર બે ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી રાજકોટ પોલીસે આ રીતે અન્ય લોકો ફસાયા હોય તો તેમને માટે પણ ફરિયાદ કરવાનો માર્ગ ચીંધ્યો છે. આશા છે કે અન્ય લોકો પણ જો આ રીતે છેતરાયા હોય તો આગળ આવી ફરિયાદ કરશે.#LRDS
બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો અથવા ભરતી બોર્ડ નો નીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવો.
9104654216
8401154217
7041454218
સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી#LRDS
LRD-PSI ભરતીના નામે કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, રાજકોટ પોલીસને અભિનંદન. રાજકોટ પોલીસે છેતરપિંડી કેસમાં બે શખ્સોની ધરપકડ કરી, આવી કોઇ ઘટના હોય તો બોર્ડને માહિતી આપવી.
શારીરિક કસોટીનું પરિણામ જાહેર પણ લાગ્યા છે મોટા આરોપ
તો બીજી તરફ ગઈ કાલે રાજ્યના 15 કેન્દ્રો પર લેવાયેલી PSIની શારીરિક કસોટીનું પરિમાણ જાહેર કરવામાં આવ્યું હતું. પણ આ રિઝલ્ટ બાદ પારદર્શી ભરતીમાત્ર નામ પૂરતી જ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. PSIની શારીરિક કસોટી મોટા પાયે ગોટાળાના આરોપ થઈ રહ્યા છે. દોડમાં નાપાસ થયેલાઓને પાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મુકાઇ રહ્યો છે. PSIની ભરતીમાં દોડમાં 96 હજારથી વધુ ઉમેદવારો પાસ થયા છે. શારીરિક પરીક્ષા સમયે અને પરિણામમાં મુકાયેલા ગુણમાં મોટું અંતર રાખવામાં આવ્યાની સાથે દોડમાં પાસ થયેલા અનેક ઉમેદવારો OBCમાંથી સાધારણમાં કરાયાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. હાલ તો 5 ગુણથી 22 ગુણ સુધીના અંતર આવતા ઉમેદવારો ચિંતામાં મુકાઇ ગયા છે એવું લાગી રહ્યું છે ત્યારે ઉમેદવારોના આ આરોપમાં કેટલું તથ્ય છે તેના પર તપાસ જરૂરી છે.
કેટલી ભરતી માટે કેટલા ઉમેદવાર
PSIની શારીરિક કસોટીમાં કુલ 96 હજાર 243 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.જેમાં જનરલ કેટેગરીમાં 16 હજાર 951 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.જ્યારે OBC કેટેગીરીમાં 51 હજાર 878 ઉમેદવારો, SC કેટેગરીમાં 9 હજાર 433 ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે.તો ST કેટેગરીમાં 18 હજાર 58 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.PSI ભરતી બોર્ડની વેબસાઇટ પર પરીક્ષામાં મેળવેલ ગુણ સાથેનું પરિણામ મુકવામાં આવ્યું છે.ત્યારે જો ઉમેદવારના પરિણામમાં કોઇ ભૂલ હોય તો બોર્ડનો સંપર્ક કરી શકાશે.આપને જણાવી દઈએ કે, કુલ 1 હજાર 382 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં બિન અનામત માટે કુલ 615 જગ્યાઓ અને EWS કેટેગરી માટે કુલ 137 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જ્યારે SEBC કેટેગરી માટે કુલ 357 જગ્યાઓ, SC કેટેગરી માટે કુલ 71 જગ્યાઓ અને ST કેટેગરી માટે કુલ 202 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.