દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે તમામ સરકારી કર્મચારીઓનો પગાર 20 ઓક્ટોબરે થઈ જશે.
નવલી નવરાત્રી વિદાય લઈ રહી છે. 20 દિવસ બાદ દિવાળી આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.
20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે પગાર
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવામાં આવશે.
કર્મચારીઓમાં ખુશી
આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે, મહત્વનું છે કે 24 ઓક્ટોબરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓને પગારને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલા જ કરી પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે જેથી સરકારી કર્મચારીઓ સારી રીતે દિવાળી ઉજવી શકે, દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
ગયા વર્ષે 25 ઓક્ટોબરે કરી દેવાયો હતો પગાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે પણ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને વહેલો પગાર આપવામાં આવ્યો હતો. ગત વર્ષે દિવાળી 4 નવેમ્બરે હતી, જેથી સરકારી કર્મચારીઓનો પગાર 25 ઓક્ટોબરે કરી દેવામાં આવ્યો હતો. કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા હતા.