ગુજરાતમાં આર્થિક વિકાસ સોળે કળાએ ખીલ્યો છે. જેને લઇને બેરોજગારીનો દર ઓછો છે. પરંતુ આરોગ્ય ક્ષેત્રે આજે પણ ગુજરાત પાછળ હોવાની વાત માનવી રહી !
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો વિકાસ સારો
બેરોજગારી દર ઓછો પણ સ્વાસ્થ્યમાં ગુજરાતની પાછીપાની
આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પાછળ
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ સોળે કળાએ ખીલ્યો હોવાથી રોજગારીમાં સારો એવો વધારો થયો છે. મહત્વનું છે કે તાજેતરમાં જાહેર કરાયેલા આકંડા મુજબ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બેરોજગારીનો દર ઓછો છે. જે આવકારદાયક બાબત છે. પરંતુ આરોગ્ય ક્ષેત્રે ગુજરાત આજે પણ પાછળ હોવાનું આંકડાઑ દર્શાવી રહ્યા છે.
અન્ય રાજ્યો કરતાં ગુજરાત અવ્વલ
ગુજરાતમાં ચુંટણીની મોસમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતનો વિકાસ આભને આંમ્યો હોવાના સત્તાધારી પક્ષ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો છવાયો છે. તો મંદી, મોંઘવારી અને રોજગારી બાબતે વિપક્ષી પાર્ટીઓએ સરકારને ઘેરી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 4.6 ટકા છે. તો તામિલનાડુમાં 5.8, ઉત્તર પ્રદેશમાં 8 ટકા છે. જ્યાંરે મહારાષ્ટ્રમાં બેરોજગારીનો દર 6.5 ટકા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
આરોગ્ય સુવિધાના સંદર્ભમાં ગુજરાત પાછળ
આ જ મામલે વર્ષ 2019 ના આંકડાઓ જોઇએ તો આરોગ્યની સેવામાં ગુજરાત પાછળ છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં માત્ર 29408 પથારી ઉપલબ્ધ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો આ મામલે આગળ છે. જેની સરખામણીએ ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં પથારીઓની કુલ સંખ્યાના સંદર્ભમાં ગુજરાત પાછળ છે.
ગુજરાતમાં ફુગાવાનો દર માત્ર 5.9 ટકા નોંધાયો
2021-2022ના આંકડાઓમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ફુગાવાનો દર 5.2 ટકા હતો. જ્યારે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મોંઘવારી દર 5.1 ટકા હતો. જેની સરખામણીએ ગુજરાતમાં ફુગાવાનો દર માત્ર 4.9 ટકા નોંધાયો હતો. જ્યારે 2020-2021ના આંકડાઓની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ફુગાવાનો દર 6.8, તમિલનાડુમાં 7.5 અને પશ્ચિમ બંગાળમાં 8.7 ટકા હતો. પરંતુ ગુજરાતમાં ફુગાવાનો દર માત્ર 5.9 ટકા નોંધાયો હતો. માથાદીઠ નેટ એસડીપીના ગુજરાતમાં 2,12,821 રૂપિયા છે. તો મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ માથાદીઠ નેટ એસડીપીના સંદર્ભમાં ગુજરાતથી ક્યાંય પાછળ હોવાનું આકડાઑ જણાવી રહ્યા છે.