Rajkot Marketing Yard authorities important decision onion farmers benefit
રાહત /
રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોને થશે આ મોટો ફાયદો
Team VTV06:37 PM, 30 Dec 19
| Updated: 06:58 PM, 30 Dec 19
રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી જુના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી થતી હતી પરંતુ આજથી નવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરાજી થઈ રહી છે.
નવા માર્કેટીંગ યાર્ડમાં હરાજી થશે
પોષણક્ષમ ભાવ મળતા થયા
ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી
જૂના માર્કેટિંગ યાર્ડ ડુંગળીની વારંવાર ચોરી થતી હોવાથી અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વારંવાર રકઝક થતી હતી. બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી. જુના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ઓછા વેપારીઓ હતા, જ્યારે નવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના વધુ વેપારીઓ મળતા હોવાથી હવે ખેડૂતોને આવતા દિવસોની અંદર ફાયદો થશે તેવું યાર્ડના સત્તાધીશોનું કહેવું છે.
નવા યાર્ડમાં હરાજી થવાથી ખેડૂતોને થશે ફાયદોઃ ખેડૂતો
ડુંગળી પકવતા ખેડૂતોનું કહેવું છે કે નવા યાર્ડમાં હરાજી થવાથી ખેડૂતોને ફાયદો થશે. નવાયાર્ડમાં દલાલો અને વેપારીઓની સંખ્યા વધુ છે. આજે રાજકોટ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ૭૦૦થી લઇને અને પંદરસો રૂપિયા સુધી મળ્યા હતા. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના ભાવ તો સારા મળે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું છે.
ડુંગળીના ભાવ 2000 મળતા હતા જે હવે 700થી 1500 મળી રહ્યા છે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને છેલ્લા દોઢ મહિનાથી સારા ભાવ મળી રહ્યા છે. દેશના અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાતાવરણના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને એક મહિનાથી સારા ભાવો મળી રહ્યા છે. જો કે 15 દિવસ પહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતોને એક મણના 1500થી લઈ 2000 રૂપિયા સુધી ભાવો મળતા હતા. ત્યારે હાલમાં ખેડૂતોને 700 લઈ અને 1500 રૂપિયા એક મણના ભાવ મળી રહ્યા છે એટલે કે 15 દિવસમાં ડુંગળીના ભાવમાં 700થી લઇ અને 900 રૂપિયાનો એક મણે ઘટાડો થયો છે.
ડુંગળીના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો
રાજ્યના ખેડૂતોને એક પણ જણસના પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડૂતો ખુશ છે પરંતુ ખેડૂતોનું કહેવું છે દેશના અન્ય રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન સારું છે. જેના કારણે આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થયો છે, ખેડૂતોને ભાવ તો સારા મળી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ લાંબા ચોમાસા અને કમોસમી વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના ભાવ તો હાલમાં સારા મળી રહ્યા છે.