Team VTV06:29 PM, 04 Feb 23
| Updated: 06:31 PM, 04 Feb 23
રાજકોટની એક હોટલ દ્વારા શરૂ કરવામાં આવી છે એક અનોખી સ્કીમ. 15 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને મફતમાં જમવાનું પ્રાપ્ત થઈ શકે...જાણો શું છે આ યોજના.
રાજકોટ જલારામ ફૂડ કોર્ટ દ્વારા અનોખો પ્રયોગ
15 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને મફતમાં જમવાનું
હનુમાન ચાલીસા મોઢે બોલવાથી જમવાનું મફત
હાલ સનાતન ધર્મને લઈ બાગેશ્વર ધામના પીઠા ધેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મીડિયાની હેડલાઇનમાં છવાયેલા છે. ત્યારે આ તમામની વચ્ચે રાજકોટના એક ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા અનોખી યોજના બહાર પાડવામાં આવી છે. 15 વર્ષ સુધીના બાળકોને હનુમાન ચાલીસા મોઢે બોલવાથી જમવાનું મફત મળશે આ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી છે.
જલારામ ફૂડ કોર્ટ દ્વારા અનોખો પ્રયોગ
આજે ભારતભરમાં હિન્દુ ધર્મની અંદર જ અનેક જાત જાતના સંપ્રદાયો છે. દરેક સંપ્રદાય અન્ય કરતાં પોતે મહાન હોવાનો દાવો પણ કરે છે. આ જ પ્રકારનો દાવો જે તે સમયે આદિ ગુરુ શંકરાચાર્યના સમયમાં પણ કરવામાં આવતો હતો. તે સમયે તેમને અદ્વૈત વાદનો સિદ્ધાંત ભારત સહિત સમગ્ર વિશ્વને આપ્યો હતો. તો સાથે જ જણાવ્યું હતું કે, "સનાતન ધર્મ હી સબસે પુરાતન એવમ્ શ્રેષ્ઠ હે". ત્યારે આ જ સનાતનની પરંપરાને આગળ વધારવા માટે રાજકોટના જલારામ ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
રાજકોટની હોટલમાં શરૂ થઈ નવી સ્કીમ
લોકોમાં આજકાલ સનાતન ધર્મ પ્રત્યે લોકોની લાગણી ખૂબ જ વધી છે ત્યારે રાજકોટમાં હોટેલમાં જમવા આવતા લોકો માટે હોટલ દ્વારા હનુમાન ચાલીસા બોલે તેવા 15 વર્ષથી નીચેના બાળકો માટે જવાનું ફ્રીમાં આપવામાં આવે છે તેમજ લોકોએ VTV ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આવા નિર્ણયથી હિન્દુ સમાજમાં સનાતન ધર્મના પ્રચાર માટે આ સારું માધ્યમ છે. તેમજ આ એક હોટલ નહીં પરંતુ દરેકની હોટલો આવા નિર્ણય લઈને હિંદુ સંસ્કૃતિમાં સનાતન ધર્મનો પ્રચાર થવો જોઈએ.
જમવાનું તદ્દન ફ્રી
જલારામ ફૂડ કોર્ટ એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે બાળકો પોતાના પરિવારજનો સાથે જમવા આવે છે. ત્યારે અહીં અવનવી વાનગીઓ પણ તેમને પીરસવામાં આવે છે. સનાતન ધર્મનો મહિમા આગળ વધે તેમજ બાળકોમાં હનુમાનજી મહારાજની જેમ બળ અને બુદ્ધિનો સમન્વય થાય તે હેતુથી એક અવનવી યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત 15 વર્ષ સુધીના બાળકો અહીં આવીને હનુમાન ચાલીસા મોઢે બોલશે તો તેમને જમવાનું તદ્દન ફ્રી આપવામાં આવશે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, હનુમાનજી મહારાજ ને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનાં દાતા ગણવામાં આવે છે. ત્યારે આજે જ્યારે બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે તેવા સમયમાં બાળકોમાં એક સકારાત્મક ઊર્જાનું નિર્માણ થઈ અને બાળકો હનુમાન ચાલીસા મોઢે બોલતા થાય તે હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી છે.
હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે
સંત શ્રી તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસા અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ મુગલ બાદશાહ અકબરની જેલમાં લખવામાં આવી હતી. તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે. તેમજ આજે પણ હનુમાન ચાલીસાનો મહિમા ઠેક ઠેકાણે ગવાઈ છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટની આ હોટલ દ્વારા સનાતન ધર્મ માટે લેવાયેલ નિર્ણયની પ્રશંસા લોકોમાં સૌથી વધુ મળી રહી છે.