આજીવન કેદ ઉપરાંત કોર્ટે રૂ. 20 હજારનો દંડ પણ ફટકાર્યો
ગઇકાલે પણ એક કેસમાં આરોપીને ફટકારાઇ હતી 15 વર્ષની કેદ
મહેસાણાની એડિશનલ સેશન્સ કોર્ટ બાદ હવે આજે રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 20 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
તારીખ 6 ઓક્ટોબર 2016ના રોજ રાજકોટના ભાડલા ગામમાં એક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજીડેમ પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ આપતા આઈપીસી અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા ભોગ બનનાર સગીરાના કૌટુંબિક કાકાએ જ તેને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સાથે રહેલી સગીરાને છોડાવી તેને પરિવારને સોંપી હતી.
ઘરે પરત આવેલી સગીરાએ તેની માતાને વાત કરતા આરોપીએ ચોટીલા નજીક વખતપર પાસે આવેલી કોઈ વાડીમાં તેણી ઉપર અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી IPCની કલમ 363, 366 અને પોકસો ઉપરાંત દુષ્કર્મની આઈપીસી કલમ 376 ઉમેરવામાં આવી. બાદમાં આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી. આથી, કેસ કોર્ટમાં ચાલ0 ઉપર આવતા સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલે ધારદાર રજૂઆત કરી આરોપીને સજા આપવા કાયદાના આધારો રજૂ કરીને દલીલો કરી હતી. આથી તેને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
ગઇકાલે પણ દુષ્કર્મના એક કેસમાં કોર્ટે આરોપીને ફટકારી હતી 15 વર્ષની કેદ
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ એક દુષ્કર્મના કેસમાં મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જણાવી દઇએ કે, એક અસ્થિર મગજની એક યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી વિક્રમસિંહ ઝાલાને ગઇકાલે કોર્ટે 15 વર્ષની સખત કેદ અને રૂપિયા 10,000ના દંડની વસૂલાત કરવા ફરમાન જાહેર કર્યું હતું. ત્યારે આજે વધુ એક દુષ્કર્મના કેસમાં રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.