Rainfall in Ahmedabad and baroda gujarat rain updates
માવઠું /
પવન અને વીજળીના કડાકા સાથે અમદાવાદમાં કમોસમી વરસાદ, જુઓ ક્યાં-ક્યાં પડ્યો
Team VTV08:37 PM, 05 Mar 20
| Updated: 09:19 PM, 05 Mar 20
ઉનાળાની શરૂઆત પહેલા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારે અમદાવાદ, ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, દ્વારકા, કચ્છના લખપત, સુરેન્દ્રનગરના લીંબડી અને મોરબીના હળવદમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ
ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. મહત્વનું છે કે, દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.
અમદાવાદ, સાણંદ સહિતના ગામોમાં કમોસમી વરસાદ
એસ.જી. હાઇ-વે, બોડકદેવ, બોપલ, વેષ્ણોદેવી સર્કલ જેવા વિસ્તારોમાં વરસાદ
ખેડૂતોની ચિંતામાં વધારો
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા કટાણે વરસી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થયો છે. અમદાવાદના સેટેલાઇટ, એસ.જી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ઘાટલોડીયા, બોપલ, પેથાપુર અને વિરમગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
તેમજ આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો પેથાપુર અને વિરમગામમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અને અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક અન્ડર પાસમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદ, સાણંદ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે. ગોકલપુરા, શ્રીનગર, ગોરજ સહિતના ગામોમાં વરસાદ થયો છે. ઘઉં અને ડાંગરના પાકમાં વરસાદથી નુકશાન થવાનો ભય છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં હેરાનગતિ જોવા મળી છે.
એકાએક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચોમાસું પાક બગડ્યા બાદ હવે આ કમોસમી વરસાદથી શિયાળું પાક પણ બગાડે તેવું સ્થિતિ સર્જાઈ છે. જીરા, ઘઉં, ધાણાના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.