Team VTV11:58 AM, 25 May 19
| Updated: 12:48 PM, 25 May 19
લોકસભા ચૂંટણીમાં શરમજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ થઇ રહ્યાં છે. પાર્ટીની હારની સમીક્ષા કરવા માટે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક દિલ્લી ખાતે યોજાઇ રહી છે. એક મળતાં અહેવાલ મુજબ રાહુલ ગાંધીએ આ બેઠકમાં હારની જવાબદારી સ્વીકારી લઇને પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી, જેને કમિટિએ નામંજૂરી કરી છે.
લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ દિલ્લી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક શરૂ થઇ ચૂકી છે. જેમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાધી, મનમોહન સિંહ, મલ્લિકાર્જૂન ખડગે, પી ચિદમ્બરમ્ સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે.
2014ના મુકાબલામાં આ ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર 8 બેઠક વધી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 44 બેઠક જીતી હતી. જ્યારે આ વખતે 52 બેઠક મળી છે, જેના કારણે લોકસભા વિપક્ષનો દરજ્જો પણ નહી મળે. જેના માટે 54નો આંકડો હોવો જરૂરી છે. રાહુલ ગાંધી ભલે વાયનાડ બેઠક પરથી જીત્યાં હોય પરંતુ કોંગ્રેસના ગઢ સમાન અમેઠી બેઠક પર હવે કેસરિયો લહેરાયો છે.
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને 55 હજાર મતથી પરાજય આપ્યો છે. જો કે કોંગ્રેસના સૂત્રો પાસેથ મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર કરવામાં આવશે નહી અને પાર્ટી તેમના નેતૃત્વમાં જ કામ કરશે. દેશમાં લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસની CWCની બેઠક આજે યોજાશે.
CWCની બેઠકમાં કોંગ્રેસને મળેલી શરમજનક હારની સમીક્ષા કરવામાં આવશે. CWCની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હારના પરિણામો અને તેના પરિબળો પર સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ હાર સ્વીકારી અને બાદમાં પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી.
કોંગ્રેસને મળેલી હાર બાદ હવે કોંગ્રેસમાં પણ નારાજગી જોવા મળી છે. આ બેઠકમાં તમામ પરિબળો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે કે કયા કારણોસર કોંગ્રેસને હાર મળી છે. આ ઉપરાંત આગામી સમયમાં હવે કેવી રણનીતિ અપનાવવી તે અંગે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધી આજે કોંગ્રસેની વર્કિગ કમિટિમાં પોતાના રાજીનામાની રજૂઆત કરી શકે છે. મહત્વનું છે કે કોંગ્રેસના નેતા રણદિપ સુરજેવાલાએ આ વાતને નકારી હતી.