એજબેસ્ટનમાં રમાઇ રહેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં રિષભ પંતે માત્ર 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. કોચ રાહુલ દ્રવિડની આ સદી અંગેનું જુસ્સાદાર રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થયું
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ટેસ્ટ સિરીઝ
રિષભ પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા
રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાએ કર્યું ચીયર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો પહેલો દિવસ
ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે એજબેસ્ટનમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રિષભ પંતે સદી ફટકારી હતી. તેણે માત્ર 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદી એવા સમયે આવી જ્યારે 100 રનની અંદર જ અડધી ભારતીય ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. આ સદીની ઉજવણી પણ ખૂબ જ ખાસ હતી. રિષભે પોતાની સદી પૂરી કરતાં જ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ઉત્સાહપૂર્ણ રીતે પોતાની બેન્ચ પરથી ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા હતા. તેનું રિએક્શન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
રાહુલ દ્રવિડે ઉભા થઈને ચીયર કર્યું
રાહુલ દ્રવિડ સામાન્ય રીતે ભાગ્યે જ આવી રીતે જોવા મળે છે. પણ પંતની આ ખાસ સદી બાદ તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા. દ્રવિડની સાથે ટીમના બાકીના ખેલાડીઓએ પણ ઋષભને ચીયર કર્યું હતું. આ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
પંતે રંગ રાખ્યો
આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા એક સમયે 98 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ 222 રનની ભાગીદારી કરી ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ્સમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
338 રનથી પારી આગળ લઇ જશે જાડેજા
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ અહીં શાનદાર રમત રમી હતી. તે પ્રથમ દિવસની રમતના અંતે 83 રને અણનમ રહીને પેવેલિયનમાં પાછો ફર્યો. હવે બીજા દિવસે ભારતીય ઈનિંગને આગળ ધપાવવાની જવાબદારી તેમના ખભા પર રહેશે. પહેલા દિવસે ભારતીય ટીમે 7 વિકેટે 338 રન બનાવ્યા હતા.