આપણે સૌ કોઇએ જોયું હશે કે, કોરોના મહામારીમાં અનેક લોકો પોતાના પરિવારજનો ખોઇ ચૂક્યાં છે. કેટલાંય બાળકો પોતાના માતા-પિતાને ગુમાવતા અનાથ થઇ ગયા છે એવામાં કેન્દ્ર સરકાર આવાં બાળકો માટે 'પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ' નામની અનોખી યોજના લાવી છે.
બાળકોને દર મહિને આપવામાં આવશે રૂપિયા 2,000
બાળકોની દેખરેખ માટે પણ દર મહિને અપાશે 2,160 રૂ.
'પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ' નામની યોજના હેઠળ મળશે લાભ
આ યોજનામાં બાળકોને 23 વર્ષ થતા એકસાથે રૂપિયા 10 લાખની રકમ ઉપલબ્ધ થશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન માટે મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2022 નક્કી કરવામાં આવી છે.
સારસંભાળ માટે મળે છે આટલાં રૂપિયા
મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખ સચિવો, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગોને આ સ્કીમ સાથે જોડાયેલ તમામ આદેશ રજૂ કરી દેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ એવાં બાળકો કે જેમની કોઈ પણ સંસ્થા વિના કાળજી લેવામાં આવી રહી છે. તેઓને દર મહિને રૂપિયા 2,000 આપવામાં આવશે. એ સિવાય ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટ્યુશનમાં રહેનારા તમામ બાળકોની દેખરેખ માટે પણ દર મહિને રૂપિયા 2,160 આપવામાં આવશે.
પુસ્તકો અને ડ્રેસનો પણ ખર્ચ ઉઠાવે છે સરકાર
વાસ્તવમાં, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.