New revelation on copy case issue in forest ranger examination
મહેસાણા /
વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિ કરનાર તો આ કામમાં 'અનુભવી' નીકળ્યો! જાણો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
Team VTV10:19 AM, 29 Mar 22
| Updated: 10:24 AM, 29 Mar 22
મહેસાણામાં વનરક્ષક પરીક્ષામાં કોપી કેસ મુદ્દે મુખ્ય આરોપી રાજુ ચૌધરી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
વનરક્ષક પરીક્ષામાં કોપી કેસ મુદ્દે નવો ખુલાસો
સૂત્રધાર રાજુ ચૌધરી અગાઉ પણ ગેરરીતિ મુદ્દે ઝડપાયો છે
17 વર્ષ અગાઉ ડમી વિદ્યાર્થી તરીકે આપી હતી પરીક્ષા
મહેસાણામાં વનરક્ષક પરીક્ષમાં ગેરરીતિ મામલે રોજબરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. આ ગેરરીતીનો મુખ્ય આરોપી રાજુ ચૌધરી હોવાનું સામે આવ્યુ હતું ત્યારે હવે રાજુ ચૌધરી અંગે વધુ એક ખુલાસો થયો છે. આ મામલે વધુ તપાસ કરતા ષડયંત્રનો મુખ્ય આરોપી રાજુ ચૌધરી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનુ છે કે રાજુ ચૌધરીએ એ ખાનગી શાળાનો શિક્ષક છે. તેના ઇશારે જ માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા આ ષડયંત્ર રચ્યુ હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે ફરી એકવાર રાજુ ચૌધરી અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજુ ચૌધરીનો ગુનાહિત ઇતિહાસ
મુખ્ય સૂત્રધાર રાજુ ચૌધરી અગાઉ પણ પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ઝડપાઇ ચુક્યો છે. 17 વર્ષ અગાઉ તેણે ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. 2005માં તે ડમી વિદ્યાર્થી તરીકે ઝડપાયો હતો. તે સમયે પણ રાજુ ચૌધરી સામે ગુનો દાખલ થયો હતો. ત્યારે મહેસાણા વનરક્ષકની પરીક્ષામાં પણ રાજુએ જ માયા ચૌધરીને પાસ કરાવવા માટે આખુ ષડયંત્ર રચ્યુ હતું. રાજુ જ્યારે જવાબની કોપી આપવા ગયો ત્યારે રવિ મકવાણા પાણી પીવા આવ્યો હતો અને તેણે રાજુને કોપી કરાવતા જોઇ લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ રવિ મકવાણાને પણ જવાબ આપ્યા હતા. જો કે રવિ મકવાણા પકડાઇ જતા સમગ્ર ગેરરીતીનો પર્દાફાશ થયો હતો.
સુપરવાઇઝરે માયા ચૌધરીને કરી હતી મદદ઼
માયા ચૌધરીને પાસ કરાવવા સુપરવાઈઝરે પણ મદદ કરી હતી. માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબ સાથે આખેઆખુ પેપર લખી નાખ્યું હતું. જ્યારે આ કૌભાંડ થયુ હોવાની જાણ થતા શાળામાં હોબાળો મચ્યો હતો. અને પટ્ટવાળાએ જવાબો લખેલો કાગળ સળગાવી દીધો હતો. આ સમગ્ર મામલે વિસનગર DySP અતુલ વાળંદને તપાસ કરી રહ્યા છે.
8 શખ્સો સામે નોંધાઇ ફરિયાદ
સમગ્ર મામલે ઉનાવા પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, મૌલિક ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી. આ ઉપરાંત મનીષા ચૌધરી, જગદીશ ચૌધરી, ઘનશ્યામ પટેલ અને અલ્પેશ પટેલ તથા રવિ મકવાણા સામે ફરિયાદ નોંધાઇ છે.રાજુ, સુમિત, ઘનશ્યામ, અલ્પેશે સાથે મળીને કાવતરૂ રચ્યું હતું. પ્રશ્નપત્રના મોબાઇલથી ફોટા પાડી વોટ્સએપથી બહાર મોકલ્યું હતું. વળી પેપરના જવાબો તૈયાર કરીને પરીક્ષાર્થીઓને મોકલ્યા હતા. તેમજ જવાબ લખેલા કાગળો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરી દેવા મામલે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઓબઝર્વર ડૉ.અંકિત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી..