હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને દિલ્હી, પશ્ચિમ યુપી, ઝારખંડ વગેરેમાં હળવો વરસાદ પડી શકે છે
ચોમાસાના આશીર્વાદ સાથે કુદરતી પાયમાલીની ઘટનાઓ પણ સામે આવી
ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત
મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂરના ભયને કારણે NDRFની ટીમો તૈનાત
હાલ દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના આશીર્વાદ સાથે કુદરતી પાયમાલીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમાં વાદળ ફાટવાના અને ભૂસ્ખલનની ઘટનાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને દિલ્હી, પશ્ચિમ યુપી, ઝારખંડ વગેરેમાં હળવો વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂરના ભયને કારણે NDRFની ટીમોને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવી છે.
અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદ ચાલુ
દેશના અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદ ચાલુ છે. IMDએ કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ અને કેટલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની આશંકા છે. તે જ સમયે, મેદાનો પૂર અને પાણી ભરાવાને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત
ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે. જ્યારે ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને બંગાળની ઉત્તરપશ્ચિમ ખાડી પર અલગ હવામાન પ્રણાલી સક્રિય છે. તેમની અસર હેઠળ આસપાસના રાજ્યોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. તેની અસરને કારણે ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. તેથી રાહત અને બચાવ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ તરફ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બુધવારે ભારે વરસાદ બાદ વાદળ ફાટ્યું હતું. જેના કારણે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી હાલત ખરાબ
ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે વરસાદ બાદ રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ 4,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 1 જૂનથી રાજ્યભરમાં વરસાદના કારણે 65 લોકોના મોત થયા તો 57 લોકો ઘાયલ થયા છે. આ સાથે ભારે વરસાદ વચ્ચે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ રાહત કાર્યમાં લાગેલી હતી.