કાચિન જાતીયના મુખ્ય રાજકીય સંગઠનની વર્ષગાંઠની ઉજવણી દરમ્યાન લશ્કરી વિમાનોમાંથી ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા
મ્યાનમારમાં એક મ્યુઝિક કૉન્સર્ટ પર બોમ્બવર્ષા
કાચિન જાતીયના મુખ્ય રાજકીય સંગઠનની વર્ષગાંઠની ઉજવણીમાં બની ઘટના
હવાઈ હુમલામાં 80 લોકો માર્યા ગયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા
મ્યાનમારમાં બળવા દ્વારા સત્તામાં આવેલી સૈન્ય સરકાર દેશમાં લોહીની હોળી રમી રહી હોવાની સ્થિતિ બની છે. સામાન્ય લોકો અને નિર્દોષોની સતત હત્યા કરતી સેનાએ ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. હવે દેશમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં ગાયકો અને સંગીતકારો સહિત 80થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. બધાએ કાચિન જાતીયના મુખ્ય રાજકીય સંગઠનની વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી હતી. જૂથના સભ્યો અને એક બચાવ કાર્યકર્તાએ સોમવારે આ માહિતી આપી.
કાચિન આર્ટસ એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે થયેલા હવાઈ હુમલામાં 80 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, સ્થળ પર લશ્કરી વિમાનોમાંથી ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મ્યાનમારમાં વ્યાપક હિંસા અંગે ચર્ચા કરવા માટે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના વિદેશ મંત્રીઓ ઈન્ડોનેશિયામાં એક વિશેષ બેઠક યોજવાના છે તેના ત્રણ દિવસ બાદ આ હુમલા થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સૈન્ય બળવા પછી રવિવારની રાત્રિના સમારંભમાં થયેલ હવાઈ હુમલો એ એક જ હુમલામાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયાની ઘટના બની છે.
જોકે અહી મહત્વનું છે કે, સ્વતંત્ર રીતે ઘટનાની વિગતોની પુષ્ટિ કરવી અશક્ય છે. જોકે કાચિન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો હુમલાના ભયાનક પરિણામો દર્શાવે છે. મિલિટરી ગવર્નમેન્ટ ઇન્ફર્મેશન ઑફિસે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે, કાચિન સ્વતંત્રતા આર્મીની 9મી બ્રિગેડના મુખ્યમથક પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને કાચિન જૂથ દ્વારા કરવામાં આવેલા "આતંકવાદી" કૃત્યોના જવાબમાં "જરૂરી ઓપરેશન" ગણાવ્યું હતું.
આ તરફ માહિતી કચેરીએ મોટી સંખ્યામાં જાનહાનિને "અફવાઓ" ગણાવી હતી અને નકારી કાઢી હતી કે, સૈન્યએ કોન્સર્ટ પર બોમ્બમારો કર્યો હતો અને માર્યા ગયેલા લોકોમાં શ્રોતાઓ પણ હતા. મ્યાનમારમાં યુએન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, તે હવાઈ હુમલાના અહેવાલોથી "ખૂબ જ ચિંતિત અને દુઃખી" છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નિઃશસ્ત્ર નાગરિકો સામે સુરક્ષા દળો દ્વારા બળનો ઉપયોગ અસ્વીકાર્ય છે અને જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.
નોંધનીય છે કે, મ્યાનમારમાં વંશીય લઘુમતીઓ દ્વારા સ્વાયત્તતાની માંગણીઓ દાયકાઓથી ફગાવી દેવામાં આવી છે. કાચિન સ્વતંત્રતા સંગઠનની સ્થાપનાની 62મી વર્ષગાંઠની ઉજવણી રવિવારે તે સ્થળે યોજાઈ રહી હતી, જેનો ઉપયોગ લશ્કરી તાલીમ માટે લશ્કરી પાંખ દ્વારા પણ કરવામાં આવે છે. તે મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનથી લગભગ 950 કિમી દૂર હાપાકાંત પ્રદેશમાં સ્થિત છે.