Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ઇતિહાસ / ગુજરાતનું એક એવું શિવ મંદિર જેનું નિર્માણ કરાવતાં રાજાને યુદ્ધમાં વિજય મળેલો 

ગુજરાતનું એક એવું શિવ મંદિર જેનું નિર્માણ કરાવતાં રાજાને યુદ્ધમાં વિજય મળેલો 

ભગવાન ભોલેનાથનો મહિનો  એટલે  શ્રાવણ માસ. આ ભગવાન શિવના પવિત્ર મહિનામાં વહેલી પરોઢથી મોડી રાત સુધી શિવ આરાધના, બમ બમ ભોલેનાથના નાદોથી અને ભજન-કીર્તનથી વાતાવરણ શિવમય બની રહ્યું છે. સાથે જ શિવપૂજાનું પણ ખૂબ અનેરૂં મહત્વ છે. આ પવિત્ર  માસમાં  કેટલાક શિવમંદિરોમાં યજ્ઞ, ચાર ભૂજા આરતી, યજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ સાથે અનેક સ્થળે મેળા ભરાતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાતાળેશ્વર,  કોટેશ્વર, મુકતેશ્વર, મૂળેશ્વર, કપિલેશ્વર, જાગેશ્વર, કાશી વિશ્વનાથ, વિશ્વેશ્વર, મોકેશ્વર, ગંગેશ્વર સહિત અગ્રણ્ય શિવમંદિરોમાં દિવસભર ભક્તોની દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. 

બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાના પાડણ ગામમાં ભવ્ય મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનું નિર્માણ કરાવતાં રાજાને યુદ્ધમાં વિજય મળ્યો હતો. વાત છે પાટણના સોલંકીવંશના સ્થાપક મૂળરાજ સોલંકી અને તેમણે બંધાવેલ મંદિર મૂળેશ્વર મહાદેવની. સોલંકી (ચાલુક્ય) વંશના મુળપુરુષ એવા મૂળરાજ સોલંકીએ સૂઈગામ તાલુકાના પાડણ ગામમાં મૂળેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યુ હતું.  આ મંદિરે એક આખા માણસે "કમળપુજા" કરી હતી. સોલંકીઓના આરાધ્ય દેવતા શ્રી સોમનાથ મહાદેવ ગણાય છે. તેમના આશીર્વાદથી જ સાંચોર મંડલ અને પછી સારસ્વત મંડલની જીત મૂળરાજે મેળવી હતી. તે વખતે મૂળરાજ સોલંકીને કચ્છના લાખા ફુલાણી સામેના યુદ્ધમાં છ-છ વાર નિષ્ફળતા મળેલી. અનેક પ્રયાસ કરવા છતાં સફળતા મળતી ન હતી.  

અજાણ્યા સ્થળે ગાયના દૂધની ધારાની જગ્યાએ બન્યું ભવ્ય મંદિર

એક વિદ્વાન પંડીતને પૂછતાં એમણે જણાવ્યુ કે 'જો કોઈ અપુજીત (કોઇએ પુજા ન કરી હોય તેવા) શિવલીંગને પ્રથમ પૂજન મૂળરાજના હાથે કરવામા આવે તો સફળતા મળશે.' રાજા મૂળરાજે તેમના તાબા હેઠળનાં ગામોમાં જાણ કરી કે ક્યાંય પણ અપુજિત શિવ હોય તો તેની જાણ દરબારમાં કરવી. તે નિજ સ્થાનક ઉપર ગાયના દૂધની ધારા જમીન પર વહેવા લાગતાં ગામના ગ્રામજનોએ રાજાને જાણ કરીને ખોદકામ કરાવતાં એક મોટું શિવલિંગ નીકળ્યુ. મૂળરાજે બ્રાહ્મણો બોલાવીને પૂજા-વિધિ કરી. ત્યારબાદ સાતમા પ્રયત્ને લાખાને હરાવ્યો અને અહીં મૂળેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી.  

શિવના આશીર્વાદથી મૂળરાજ સોલંકીએ સાંચોરમંડલની જીત મેળવી

આ મંદિરનો એકવાર જીર્ણોદ્ધાર કરેલો છે. મંદિરના મંડોવરની રચના સાદી છે, પરંતુ  શિખરરચના ખૂબ જ મહત્વની છે. સોલંકીઓએ અપનાવેલ ગાંધાર શૈલીમાં દર્શન અહીં થાય છે. શિવના આશીર્વાદથી મૂળરાજ સોલંકીએ સાંચોરમંડલની જીત મેળવી હતી. તત્કાલીન સમયમાં વાવ-થરાદનો સમાવેશ અણહિલપુર પાટણમાં થતો હતો. હાલ આ ગામ પાડણ તરીકે ઓળખાય છે. ગુજરાતી પ્રબંધ ચિંતામણી - ૧૯૯૧માં દર્શાવ્યા મૂજબ મૂળરાજે મૂળરાજ વસહિકા અને મૂળેશ્વર સ્વામી મંદિર પણ બંધાવ્યું હતું. દર સોમવારના દિવસે મૂળરાજ સોલંકી શિવલિંગના દર્શનાર્થે પાડણ આવતા હતા. 

મંદિરની દીવાલ પરનો શિલાલેખ હજૂ સુધી નથી ઉકેલાયો


મૂળેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હનુમાન અને ગણેશજીની મુર્તિઓ છે. મંદિરના ગર્ભગૃહની અંદર મોટું શિવલિંગ છે. મંદિરનુ પ્રવેશદ્વાર આબેહુક, કલાત્મક અને પ્રાચીન કોતરણીઓથી ભરપૂર છે. મૂળેશ્વર મહાદેવ મંદિરની ડાબી બાજુ વિષ્ણુ લક્ષ્મી મંદિર આવેલુ છે. આ મંદિરની દીવાલ પર એક શિલાલેખ છે. સ્થાનિક ઈતિહાસ સંશોધક પ્રો. પ્રકાશકુમાર સુથારના જણાવ્યા અનુસાર, આ લેખ હજૂ સુધી ઉકેલાયો નથી. મંદિરની અંદરની અને બહારની મુર્તીઓ કલાત્મક, ભવ્ય અને પ્રાચીન છે. મૂળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીનો તેમજ શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

- વિશાલ ચૌધરી

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ