બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 10:55 PM, 31 May 2023
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય ગતિથી આગળ વધતું ચોમાસું ૨૨થી ૨૬ મે સુધીમાં આંદામાન-નિકોબાર ટાપુને પાર કરીને બંગાળના અખાતમાં આગળ વધવું જોઈતું હતું, પરંતુ આ વખતે ૩૧ મે થઈ હોવા છતાં ચોમાસું હજુ તેના સામાન્ય ક્રમ મુજબ આગળ વધ્યું ન હતું અને તેથી ચોમાસું લગભગ એક સપ્તાહ પાછળ ચાલી રહ્યું છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ૧૯ મેથી અટકેલા ચોમાસાએ હવે ગતિ પકડી છે અને આવતી કાલ સુધીમાં કેરળ પહોંચી જશે એવું અનુમાન છે. જ્યારે ૫ જૂન સુધીમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તર ભારતમાં સત્તાવાર ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે.
ADVERTISEMENT
ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
૧૦ જૂન સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર અને તેલંગાણા પહોંચી જશે અને ૧૫ જૂનથી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે. જ્યારે ૨૦ જૂનથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ શરૂ થઈ જશે. ચોમાસાનો આ તબક્કો ૮ જુલાઈ સુધી ચાલુ રહેશે.દરમિયાન, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં તેજ આંધી સાથે વરસાદ પડ્યો હતો અને આજે દિલ્હી-એનસીઆરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરીય પાકિસ્તાન પર ચક્રવાતી દબાણ બનેલું છે, જ્યારે પંજાબ પર ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ નિર્માણ પામી છે.
મોસમનો મિજાજ ઓચિંતો બદલાયો
આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા પાકિસ્તાન અને મધ્યપ્રદેશમાં પણ ચક્રવાતી પવનો શરૂ થઈ ગયા છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકુળ સ્થિતિ આકાર લઈ રહી છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં મોસમનો મિજાજ ઓચિંતો બદલાઈ રહ્યો છે અને તેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂન મહિનામાં સમગ્ર ભારતમાં સામાન્યથી થોડો ઓછો વરસાદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.