2 દિકરી સાથે માતાએ કેરોસીન છાંટીને કર્યુ અગ્નિવિલોપન
ગૃહકંકાસના કારણે પરિવારના 3 સભ્યોનો સામુહિક આપઘાત
અમરેલીમાં આજે બનેલી આપઘાતની ઘટનામાં એક પરિવાર વીંખઈ ગયો છે. બેડરૂમમાં કેરોસીન ચાંપી અગન પછેડી ઓઢી લેતા પરિવારના ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં છે. આગ એટલી વિકરાળ હતી આખુંય ઘર ભભૂકી ઉઠ્યું હતું.
અગ્નિવિલોપનમાં પરિવારના ત્રણ ભડથું
અમરેલીના ચલાલાના રહેણાંક મકાનમા બનેલો આ બનવા ભયાવહ હતો. હરિધામ સોસાયટીમાં 2 દિકરી સાથે માતાએ કેરોસીન છાંટીને અગ્નિવિલોપન કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પહેલા ખબર એવી હતી કે આગ લગતા ત્રણ લોકોના મોત થયા છે બાદમાં પોલીસ તપાસ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર આગની નહીં પણ આપઘાતની ઘટના સામે આવી હતી. ગૃહકંકાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાના સમાચાર મળી રહયા છે. આત્મવિલોપનમાં મહિલા સાથે 14 વર્ષની અને 3 માસની દિકરીનો પણ સમાવેશ થાય છે. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંગત ઝઘડા બાદ માતાએ પુત્રીઓ સાથે આત્મવિલોપન કર્યું
ચલાલાની હરિધામ સોસાયટીમાં સ્થાયી આ પરિવારમાં અંગત ઝઘડો ચાલતો હતો. જે બાદ મહિલાએ બે દીકરીઓ સાથે બેડરૂમમાં આગ ઓઢી લીધી હતી. કેરોસીન છાંટયા બાદ ભયંકર આગ ભભૂકી હોવાને કારણે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. એમાંય ઘરમાં જવાનો એક જ દરવાજો હતો આથી ગામ લોકોને બચાવવામાં જ પણ થોડી વાર થઇ હતી. જેથી આગની ઝપટમાં આવતા માતા અને બે પુત્રીઓના આત્મવિલોપનમાં અવસાન થયા છે.
પાણીનો મારો ચલાવી ગ્રામજનોએ આગ પર કાબૂ મેળવ્યો
આગ લાગી આગ લાગીની ચીસો સંભાળતા સમગ્ર ચલાલા ગામ એકઠું થઈ ગયું હતું અને પોતાની રીતે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.જો કે આગ કંટ્રોલમાં પણ આવી ગઈ હતી પણ અંદર રહેલા માતા અને બે પુત્રીઓને ગામલોકો બચાવી ન શક્યા હતા. આગનું રૂપ જોતાં ફાયર ટીમને પણ કોલ કરવામાં આવ્યો હતો અને પોલીસને પણ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી ફાયર ટીમે ત્રણેય મતૃકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાદમાં પોલીસે કરેલી તપાસમાં ઘરમાં કેરોસીન છાંટયા હોવાનો ધડાકો થયો હતો. પોલીસ હાલ આત્મવિલોપન કેમ કર્યું તેની સઘન તપાસ કરી રહી છે. હાલ પરિવાર સહિત ગામલોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.