man bought a bike by giving coins of 90 thousand rupees
OMG ! /
ભારે કરી! મહેસાણામાં 90 હજારના સિક્કા લઈને બાઇક ખરીદવા આવ્યો યુવક, શૉ-રૂમમાં જોવાવાળી થઈ
Team VTV01:49 PM, 30 Mar 22
| Updated: 01:59 PM, 30 Mar 22
દૂધના વ્યવસાય સાથે જોડાયેલા એક યુવકે ચિલ્લર આપીને ખરીદ્યુ 90 હજારનું બાઇક
રોકડ ચિલ્લર લઇ યુવક ટુ વ્હીલર ખરીદવા પહોંચ્યો
દૂધનો વ્યવસાય કરે છે યુવક
90 હજારનું ખરીદ્યુ બાઇક
ચિલ્લર. આ શબ્દ સાંભળીને લોકોના મોઢા પડી જાય. ચિલ્લર આપતા ઘણી વાર શરમ આપણને પણ આવે. પણ શું થાય, ચલણી સિક્કા ભેગા થાય તો તેને વાપરવા તો ખરા જ. શાકભાજી કે દૂધની દુકાનમાં આપણે ચિલ્લરો આપી દઇએ છીએ. પરંતુ જરુરી નથી કે બધી જગ્યાએ ચિલ્લર ચાલે જ. પેટ્રોલ પંપ, મૉલ સહિત એવી ઘણી જગ્યાઓ છે ત્યાં ચિલ્લર લેવાની ઘસીને ના પાડી દેવામાં આવે છે. આપણે 100 રૂપિયાની ચિલ્લર લઇને દૂધ લેવા જતા પણ થોડા શરમાઇએ ત્યારે આતો 90 હજાર રુપિયાની ચિલ્લર લઇને એક યુવક પહોંચ્યો બાઇકના શૉ રુમ પર.
શૉ રુમમાં ઠલવ્યા સિક્કા
કહેવાય છેને કે ટીપે ટીપે સરોવર ભરાય. ગલ્લામાં રોજે એક-બે સિક્કા નાંખીએ તે દિવસ જાય તેમ મોડી મૂડ઼ી જ થવાની ને. દૂધનો વ્યવસાય કરતા મહેસાણાના એક યુવકનું ડ્રીમ બાઇક ખરીદવાનું સપનુ હતુ. જે તેણે ચલણી સિક્કાઓ વટાવીને પુરુ કર્યુ. વાત છે મહેસાણાની. અહીં એક યુવક 90 હજાર રુપિયાના સિક્કા લઇને બાઇક ખરીદવા પહોંચ્યો હતો અને બાઇક ખરીદ્યુ પણ ખરાં.
દૂધનો વ્યવસાય કરે છે યુવક
ચલણી સિક્કા મોટાભાગે દૂધની દુકાનવાળા પ્રેમથી લઇ લે. પરંતુ તેઓ પણ આ સિક્કા વટાવે ક્યાં ?જો કે મહેસાણાના આ બાઇકના શૉરુમ સંચાલકો ચલણી સિક્કા લેવાની હા પાડતા યુવકની ખુશીનો પાર ન રહ્યો. કારણ કે આ યુવક અનેક જગ્યાએ ફર્યો. મોટાભાગોના તમામ શૉ રુમ સંચાલકે ચિલ્લર જોઇને જ બાઇકનું વેચાણ કરવાની ઘસીને ના પાડી દીધી હતી. આ યુવક 5 કોથળા ભરેલા સિક્કા લઇને શો રુમ પહોચ્યો હતો. જો કે પહેલા તો શો રુમના કર્મચારીઓને સિક્કા જોઇને આંખે અંધારા આવી ગયા. પરંતુ જેવી સંચાલકે ચલણી સિક્કા થકી બાઇક વેચવાની હા પાડી કે તરત જ બધા જ કર્મચારીઓ સિક્કા ગણવા બેસી ગયા.