બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ધમકીભર્યો પત્ર મળવાનો મામલો ઉકેલાઈ ગયો છે. ધમકીભર્યો પત્ર મળવાના મામલામાં સૌરભ મહાકાલનું નામ સામે આવી રહ્યું છે.
સલમાનને ધમકી આપનાર શખ્સની પોલીસે કરી ધરપકડ
MCOCA હેઠળ સૌરભ મહાકાલની ધરપકડ
આરોપીના તાર સિદ્ધૂ મુસેવાલાની હત્યા સાથે પણ જોડાયેલા
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ધમકીભર્યો પત્ર મળવાનો મામલો ઉકેલાઈ ગયો છે. ધમકીભર્યો પત્ર મળવાના કેસમાં સૌરભ ઉર્ફે મહાકાલનું નામ સામે આવી રહ્યું છે, જેની પુણે પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં પત્રનું સમગ્ર સત્ય બહાર આવ્યું છે.
સિદ્ધૂ મુસેવાલાની હત્યા સાથે જોડાયેલા છે તાર
બુધવારે મોટી કાર્યવાહી કરતા પુણેની ગ્રામીણ પોલીસે MCOCA હેઠળ સૌરભ મહાકાલની ધરપકડ કરી હતી. આ આરોપીના તાર પંજાબી ગાયક સિદ્ધૂ મુસેવાલાની હત્યા સાથે પણ જોડાયેલા છે. તેની પાછળ પોલીસ હતી. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેના પછી ઘણા રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે.
લોરેન્સની પૂછપરછ કરવા દિલ્હી પહોંચી હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ
બીજી તરફ સલીમ ખાન અને તેના પુત્ર અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા પત્રો મળવાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ બુધવારે દિલ્હી પહોંચી હતી.
મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનના નિવેદનો નોંધ્યા છે અને સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે સલમાનના બે બોડીગાર્ડના નિવેદન પણ નોંધ્યા છે.
ધમકી ભર્યા પત્રમાં શું લખ્યું હતું?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 'સલિમ ખાન, સલમાન ખાન તમારા હાલ મુસેવાલા જેવો થઈ જશે ટૂંક સમયમાં જી.બી.એલ.બી...' એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જીબી અને એલબી તેનો અર્થ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ હોઈ શકે છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ અજાણ્યા બદમાશો દ્વારા ગોળી કરીને હત્યા કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે કરી પ્રેસ કોન્ફરન્સ
બીજી તરફ દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર એચજીએસ ધાલીવાલે જણાવ્યું કે સૌરભ મહાકાલ મુસેવાલાની હત્યામાં સામેલ નથી. તે મુસેવાલાની હત્યામાં સામેલ શૂટરની નજીકનો હતો. તેણે તેની સાથે ઘણી ઘટનાઓને અંજામ આપી છે અને એક ગંભીર કેસમાં તેનું નામ પણ છે. લોરેન્સ બિશ્નોઈના કહેવા પર તેણે શૂટિંગ કર્યું છે.
ધાલીવાલે વધુમાં કહ્યું કે, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ છે. આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. વધુ તપાસ હાથ ધરી છે.