કચ્છના મુખ્ય મથક ભુજમાં 6.80 લાખની ચોરીની ઘટના સામે છે. ગતરાત્રિ દરમ્યાન પોશ અને ભરચક કહી શકાય તેવા વિસ્તારમાં પેટ્રોલપંપના માલિકના ઘરને નિશાન બનાવી તસ્કરો ભાગી ગયા હતા.
સમગ્ર ઘટના વિષે જણાવીએ તો ભુજમાં સ્ટેશન રોડ ઉપર આવેલ જોશી પેટ્રોલપંપ ધરાવતા યોગેશભાઇ નવીનચન્દ્ર જોશીનો બંગલામાં ગતરાત્રિના બાર વાગ્યાથી પોણા છ વાગ્યા દરમ્યાન આ ચોરી થઇ હતી.
ઘટના વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે આ બંગલાના પાછળના ભાગેથી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ બેઠકખંડથી શયનકક્ષ સુધી પહોંચેલા ચોરોએ લાકડાના કબાટનું લોક તોડયું હતું અને તેમાંથી રૂા. 6.55 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂા. 25 હજાર રોકડા મળી કુલ્લ રૂા. 6.80 લાખની માલમતા અંકે કરી હતી.
મહત્વનું છે કે ઘરમાલિક પરિવારના સભ્યો ઉપરના માળે નિદ્રાધીન હતા ત્યારે હરામખોરોએ ભોંયતળિયે આ `આતંક' મચાવ્યો હતો.ત્યારબાદ પોલીસને જાણ કરાતાં એ. ડિવિઝન પોલીસ મથકની ટુકડી દોડી જઇ તપાસમાં પરોવાઇ હતી.
મળતી માહિતી મૂજબ આ બંગલામાં સુરક્ષાના હેતુસર CCTV કેમેરા લાગેલા છે પણ દશેરાના દિવસે ઘોડું ન દોડે તેમ ચોરીના સમયે કેમેરા બંધ હતા અથવા તો બંધ રખાયા હતા. જે કારણે પોલીસ માટે તસ્કરો સુધી પહોંચવા માટેનો માર્ગ થોડો વધુ મુશ્કેલ બન્યો છે. જોકે આ ઘટના વિશે હજુ વધુ પાસા બહાર આવ્યા નથી.