ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત બે દિગગજ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.
કોંગ્રેસના ગઢ ખેડા જિલ્લામાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ
ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ
પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું પણ રાજીનામુ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપમાં જાણે ભરતીમેળો ચાલતો હોય તેમ દિવસેને દિવસે નેતાઓ, અગ્રણીયો કાર્યકરો કેસરિયા કરી રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. કોંગ્રેસના જુના જોગીઓથી માંડી, કાર્યકરો સહિતના કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. જેને પગલે કોંગ્રેસ ચુંટણી પહેલા જ તૂટી રહી હોય તેવી હાલાત સર્જાઇ છે. તેવામાં કોંગ્રેસના ગઢ સમાન ખેડામાં કોંગ્રેસનો આંતરીક ઉકળતો ચરુ આજે ખુલ્લીને બાહર આવ્યો છે. જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને મોટા પાયે ફટકો પડયો છે.
બે દિગગજ નેતાઓ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ તેવી અટકળો
ગુજરાત વિધાનસભાની ચુંટણી આંગણે ટકોરો મારી રહી છે. આવા સમયે ભાજપ-કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોની વણઝાર ચાલી રહી છે. તેવામાં ખેડા જિલ્લામાં વધુ બે કોંગ્રેસ આગેવાનોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડતા ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને સંબોધી પોતાનું રાજીનામુ આપ્યું છે. વધુમાં પૂ્ર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પણ રાજીનામુ ધરી દીધું છે. ખેડા જિલ્લા કોંગ્રેસના બે દિગગજ નેતાઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ સમાચાર વહેતા થતાં ખેડા કોંગ્રેસમાં હડકંપ સર્જાયો છે.
અગાઉ ગાંધીનગર જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખે આપ્યું હતું રાજીનામું
ગત મહિને 24 જૂનના રોજ ગાંધીનગર જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સુર્યસિંહ ડાભીએ કોંગ્રેસથી નારાજગી દર્શાવી રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં ચુંટણી વચ્ચે પણ કોંગ્રેસ સુસ્તીમાં હોવાનું સુર્યસિંહ ડાભીએ ટ્વીટ મરફેતે સંકેતો જણાવ્યા હતા. નોંધનિય છે કે, સુર્યસિંહ ડાભીએ મહામંત્રી પદ ઉપરાંત કોંગ્રેસના સભ્ય પદેથી રજીનામુ આપતો પત્ર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મોકલ્યો હતો તેવામાં વધુ એક પ્રમુખે રાજીનામું આપી દેતા કોંગ્રેસ તૂટતી હોય તેવા સંકેતો મળી રહ્યા છે.