શિયાળામાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે શરીરની નસો સંકોચાય છે અને વિટામિન ડીના અભાવે હાડકામાં દુખાવો વધે છે. આ કારણે લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે
દરેક લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે
આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે
સાંધાના દુખાવાથી કેવી રીતે બચાવ કરવો?
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણી બીમારીઓનો ખતરો રહે છે. પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો એક ગંભીર સમસ્યા છે. આ દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. લગભગ દરેક લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે. તેની પાછળનું કારણ છે કે તાપમાનમાં ઘટાડો થવાને કારણે શરીરની નસો સંકોચાય છે અને વિટામિન ડીના અભાવે હાડકામાં દુખાવો વધે છે . આવી સ્થિતિમાં હાડકાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે પહેલા આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળતી હતી પણ હવે આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે.
એક્સપર્ટસના કહેવા પ્રમાણે શિયાળામાં સૂર્યપ્રકાશ થોડા સમય માટે રહે છે અને એ કારણે આપણા શરીરને વિટામિન ડી યોગ્ય રીતે મળતું નથી એટલે જ હાડકાંની સમસ્યા પણ થાય છે. જો કે જે લોકોનું કામ આખો દિવસ બેસી રહેવાનું હોય છે. જે લોકો લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરે છે એમને પણ સાંધામાં દુખાવો થવા લાગે છે. જણાવી દઈએ કે એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી હાડકાં જકડાઈ જાય છે અને એ કારણે સાંધાનો દુખાવો પણ શરૂ થાય છે. સામાન્ય રીતે આ સમસ્યાથી બચવા માટે સમયાંતરે એકવાર કામમાંથી બ્રેક લેવો જોઈએ એનએ હલનચલન રાખવું જોઈએ.
સાંધાના દુખાવાથી કેવી રીતે બચાવ કરવો?
મોર્નિંગ વોક ખૂબ જ ફાયદાકારક
ખાસ કરીને શિયાળામાં દરરોજ સવારે ચાલવાથી શરીરને ફાયદો થાય છે એટલા માટે દરેક વયજૂથના લોકોએ મોર્નિંગ વોક માટે જવું જોઈએ. એક્સપર્ટ અનુસાર દરરોજ ઓછામાં ઓછું બે થી ત્રણ કિલોમીટર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.
કેલ્શિયમ અને વિટામિન ડી ખૂબ જરૂરી
શિયાળાની ઋતુમાં તડકો લેવાનો પ્રયત્ન કરો. આ કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ નહીં રહે અને શરીરના હાડકાં મજબૂત રહેશે. જો તમારા શરીરને સૂર્યપ્રકાશ નહીં મળે તો વિટામિન ડીની ઉણપનું જોખમ વધુ રહે છે.
આહાર પર ધ્યાન આપો
દરેક ઋતુમાં ખોરાક પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામીનનો સમાવેશ કરવાની સાથે સાથે દૂધ અને દહીનો ખોરાકમાં સમાવેશ કરી શકાય. જણાવી દઈએ કે દૂધમાં વિટામિન ડી સારી માત્રામાં હોય છે. એટલા માટે ખોરાકમાં તે વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જે કેલ્શિયમથી ભરપૂર હોય.
તેલ થી માલિશ કરો
ગરમ તેલથી માલિશ કરવાથી હાડકાને ઘણો ફાયદો થાય છે. તેનાથી હાડકાંને ગરમી મળે છે અને સાંધાના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.