Jayaraj Sinh Parmar resign from Congress gujarat bjp politics
જય'રાજ' નીતિ /
જયરાજસિંહના કોંગ્રેસને રામ રામ... 2 દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Team VTV01:24 PM, 17 Feb 22
| Updated: 01:37 PM, 17 Feb 22
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વચ્ચે હવે જયરાજસિંહ પરમારે આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.
જયરાજસિંહે હાથનો છોડ્યો સાથ
જયરાસિંહે કોંગ્રેસ છોડતા ભાજપ થયું સક્રિય
એક-બે દિવસમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતા
ભાજપમાં જોડાયા બાદ ખેરાલૂથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા
ચૂંટણી સમયે અવાર નવાર નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. જેમા ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે સમયે કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ 1-2 દિવસમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. ત્યારે હવે જયરાજસિંહને ભાજપમાં જોડવા માટે માટે પ્લાન તૈયાર કરાયો છે. તો બીજી તરફ તેઓ ભાજપમાં જોડાયા બાદ ખેરાલૂ બેઠક પરથી આગામી વિધાનસભાની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. 2 દિવસમાં આગામી રણનીતિ જાહેર કરશે.
મેં રાજકારણ નથી છોડ્યું પરંતુ પક્ષ છોડ્યો છે: જયરાજસિંહ
કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ અલવિદા કહીને છોડી દીધું છે. જેની વચ્ચે જયરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે કે, જેમાં તેઓ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ કોઈના નથી. મે રાજનીતિ નથી છોડી મે પાર્ટી છોડી છે. બીજી તરફ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જગદીશ ઠાકોરે મને મનાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. જેને લઈને મારા ચાહકો દુઃખી થવાના છે. ભુક્કા બોલાવી દેવાની માત્ર વાતો જ થાય છે. કોંગ્રેસના નેતાઓ કોઇના નથી. કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી કોઈ સીસ્ટમ નથી.
કોંગ્રેસ દ્વારા તેમનો સતત અનાદર કરવામાં આવ્યો હોવાનું જયરાજસિંહે આપ્યું કારણ
જયરાજ સિંહે હાથનો સાથ છોડી તમામને ચોંકાવી દીધા છે. ત્યારે કોંગ્રેસનો હાથ છોડવા પાછળ કેટલાક કારણો જયરાજ સિંહ દ્વારા આપવામાં આવ્યા હતા. જયરાજસિંહ પરમારે રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેમણે લખ્યું...
મારા સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો,
આપ સૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશા મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દીલ અને દીમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું. પક્ષે શું આપ્યુ એની પરવા કર્યા સિવાય મેં પક્ષને મારૂ સર્વસ્વ સોંપી દીધુ હતું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનુ કર્તવ્ય નિભાવ્યુ. વિદ્યાર્થી કાળે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દીન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલ્ટી દીશામાં પતંગ ચગાવવા જેવી કપરી કામગીરી પુરી શક્તિ અને ક્ષમતાથી કરતો રહ્યો છું.
પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહી પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈ થાક્યો છે. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝુમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતાએ મને થકવ્યો છે. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ " વારા પછી વારો, તારા પછી મારો " ના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે.
કોંગ્રેસનો પક્ષ રાખવાની આક્રમકતાના કારણે એક પ્રતિષ્ઠીત ચેનલની ડીબેટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, ઢળી પડ્યો, સદનસીબે બચ્યો. આ ઘટના બાદ પરિવાર, મિત્રો અને શુભચિંતકો દ્વારા રાજકીય વ્યસ્તતા ઘટાડવા દુરાગ્રહ પણ થયો છતાં મારી પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં કમી ન્હોતી આવવા દીધી. દોસ્તો હ્રદયરોગના હુમલાથી વિચલીત નહી થયેલો તમારો જયરાજસિહ પક્ષના આંતરિક માળખાથી-સીસ્ટમથી હારી ગયો છે.
આ વેદના માત્ર મારી નથી લાખો સંનિષ્ઠ કાર્યકરોની છે, હું માત્ર વાચા આપી રહ્યો છું. સ્વમાનના ભોગે ઈન્દ્રનું આસન મળે તો એ પણ સ્વીકાર્ય નથી. તમારામાંથી ઘણા લોકો દુખી થશે, કદાચ નારાજ પણ થાય છતાં એક જયરાજસિહના જવાથી જો પક્ષની વ્યવસ્થાઓ સુધરતી હોય ,બહેરા કાને સામાન્ય કાર્યકરની પીડા સંભળાવાની હોય તો કોંગ્રેસને આખરી અલવિદા એ એકમાત્ર વિકલ્પ છે. પક્ષના કોઈ સાથીઓ સાથે વ્યક્તિગત મનભેદ નથી, 37 વરસના સંગાથના સારા સંભારણા દીલમાં લઈ વિદાય લઈ રહ્યો છું. ક્યાંય મારાથી દિલ દુભાયું હોય તો માફ કરશો..
સત્તા પાછળ નહી દોડનાર અને સત્તાથી નહી ડરનાર જયરાજસિહ માટે કોંગ્રેસ એટલે એનો અદનો કાર્યકર. જેથી હું પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના નિર્ણયની સૌ પ્રથમ જાણ આપને કરૂ છું. અને ભગ્ન હૃદયે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું..
તમામ સમર્થકો, શુભેચ્છકો, આલોચકો તથા કાર્યકર મિત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ...
આપનો જ ,
જયરાજસિંહ પરમાર
કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે લીધી મુલાકાત
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે જયરાજસિંહ પરમાર દિલ્હીના નેતાઓના સંપર્કમાં છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીએ બે દિવસ પહેલાજ જયરાજસિંહના ઘરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે જયરાજ સિંહના ઘરે મુલાકાત લીધી હતી. જેમાં તેમની મુલાકાતના ફોટો સામે આવ્યો જેના કારણે અનેક અટકળો સામે આવી છે. મંત્રી દેવુંસિહ ચૌહાણના જયરાજસિંહના પુત્ર હર્ષાદિત્યસિંહ સાથેના અમુક ફોટાઓ સામે આવ્યા છે.
મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત લીધી હતી
આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે જયરાજસમિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા. જેમા ગત સપ્તાહે તેઓ સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળ્યા હોવાનું સામે આવ્યું છે.જેથી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
રાહુલ ગાંધીના પ્રવાસ બાદ સંગઠનનું માળખું કરશે જાહેર
મહેસાણાના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસે હાલ સંગઠનનું માળખું જાહેર કરવાનું માંડી વાળ્યું છે. હોદ્દો મેળવનાર લોકો ભાજપમાં ભળી જવાના ભયથી કોંગ્રેસે રણનીતિ ઘડી છે. રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન કોંગ્રેસમાં વિખવાદ ન થાય માટે રણનીતિ ઘડી છે. રાહુલ ગાંધીના પ્રવાસ બાદ કોંગ્રેસ સંગઠનનું માળખું જાહેર કરશે. પ્રદેશનું માળખું અને જિલ્લાનું માળખું તૈયાર હોવા છતાં જાહેરાત કરાશે નહીં.