સરકાર માત્ર બે પ્રકારના ચાર્જ લાવવા પર વિચાર કરી રહી છે. એટલે કે ભારતમાં તમને બે જ પ્રકારના ચાર્જિંગ પોર્ટ જોવા મળશે.
માત્ર બે પ્રકારના ચાર્જરની વિચારણા કરશે સરકાર
ફીચર્સ ફોન અને સ્માર્ટફોન માટે અલગ અલગ ચાર્જર
યુરોપિયન યુનિયને હાલ ટાઇપ-સી ચાર્જરને આપી માન્યતા
આજકલ વિજાણું ઉપકરણોએ લોકોનું જીવન બદલ્યું છે. આજકાલ બેટરી વગર કોઈપણ ઉપકરણને વિચારવું અશક્ય છે. સ્માર્ટફોન, ફીચર ફોન, લેપટોપ કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ માટે તમારે અલગ-અલગ ચાર્જરનો ઉપયોગ કરવો પડતો હશે અને અલગ અલગ કંપની અને મોડેલ માટે પણ અલગ ચાર્જર આવે છે. પરંતુ, ટૂંક સમયમાં જ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સરકાર માત્ર બે પ્રકારના ચાર્જ લાવવા પર વિચાર કરી રહી છે. એટલે કે ભારતમાં તમને બે જ પ્રકારના ચાર્જિંગ પોર્ટ જોવા મળશે. તેનાથી દર વખતે નવું ચાર્જર ખરીદવાની સમસ્યાથી છુટકારો થશે.
ટાઇપ-સી ચાર્જીંગ પોઈન્ટ
તાજેતરમાં યુરોપિયન યુનિયને આવું પગલું ભર્યું છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે હવે માત્ર એક જ ચાર્જિંગ પોર્ટ હશે. યુરોપિયન યુનિયને ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટને મંજૂરી આપી છે. આગામી વર્ષથી આ નિયમનું પાલન કરવાનું રહેશે. ભારતમાં પણ કંઈક આવું જ થવાની આશા છે.
ટૂંક સમયમાં યોજાશે બેઠક
ગ્રાહક બાબતોના મંત્રાલયે તમામ મોટા ઉદ્યોગ સંગઠનો અને ક્ષેત્ર વિશિષ્ટ સંસ્થાઓની બેઠક બોલાવી છે. 17 ઓગસ્ટના રોજ યોજાનારી આ બેઠકમાં "ઘરેલું ઉપયોગ માટે બહુવિધ ચાર્જિંગના ઉપયોગને નાબૂદ કરવાની સંભાવના પર વિચાર-વિમર્શ કરવામાં આવશે".
ફીચર્સ ફોનમાં અલગ ચાર્જર
ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે ગયા અઠવાડિયે આ સંદર્ભે ઉદ્યોગના નેતાઓને એક પત્ર લખ્યો હતો. અહેવાલો અનુસાર, રોહિતે પત્રમાં કહ્યું છે કે, ભારતમાં મોટાભાગના ગ્રાહકો નાના અને મધ્યમ કદના પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે. તેમની પાસે ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ છે. મોટી સંખ્યામાં યૂઝર્સ ફીચર ફોનનો પણ ઉપયોગ કરે છે, જે અલગ ચાર્જિંગ પોર્ટ સાથે આવે છે.
માત્ર બે પ્રકારના ચાર્જિંગ પોર્ટ હશે
તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે 'માત્ર બે પ્રકારના ચાર્જિંગ પોઇન્ટ'ના માળખા પર કામ શરૂ કરીએ. એટલે કે સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ઇયરબડ, સ્પીકર જેવા નાના અને મધ્યમ કદના ઉપકરણો માટે ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ બીજા પ્રકારના ચાર્જર ફીચર ફોનમાં ઉપયોગ કરવામાં આવશે.
સૌથી વધુ પ્રભાવિત થશે એપલ
જો સરકાર આ પોલિસી લાગુ કરશે તો તેની સૌથી વધુ અસર એપલ પર પડશે. એપલ પોતાના સ્માર્ટફોનમાં લાઈટનિંગ કેબલનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં એપલ આઇફોન સાથે બોક્સમાં ચાર્જર પણ નથી આપતું અને તેની મોટી કમાણી ચાર્જર છે. આવી સ્થિતિમાં કોમન ટાઇપ-સી કે અન્ય કોઇ ચાર્જિંગ પોર્ટને કારણે કંપનીના બિઝનેસ પર અસર પડશે.