નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરાયો, જાણો અમદાવાદથી વડોદરા જતા કાર ચાલકે કેટલા રૂપિયા ચૂકવવો પડશે ટેક્સ..
આજથી અમદાવાદ થી વડોદરા જવું મોંઘુ બન્યું
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો
અમદાવાદ-વડોદરા હાઈવે પર ટેક્સમાં રૂપિયા 30થી 70નો વધારો
દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બનાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલ સહિત જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ત્યારે હવે વડોદરાથી અમદાવાદના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
ફાઈલ ફોટો
અમદાવાદથી વડોદરા જવા કાર માટે રૂ.135 ચૂકવવા પડશે
અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંઘી કારણ કે એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારનાં વાહનો માટે ટોલ ટેક્સની ફીમાં વધારો થવા પામ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવેથી કાર, જીપ, વાન અને LMV પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્સ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. તેમજ અમદાવાદથી નડીયાદનીં સીંગલ ટ્રીપ માટે રૂા.65 અને રીટર્ન ટ્રીપનાં રૂા.95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂા.85 અને રીટર્ન ટ્રીપ રૂા.125 થશે.
ટોલ ટેક્સમાં વધારો
આજથી એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સના નવા ભાવ લાગું કરાયાં છે. અમદાવાદથી વડોદરા જતી મિની બસે રૂા.215 ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બસ અને ટ્રકનો 450 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. ભારે વાહનો માટે 495 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી
કોંગ્રેસે કર્યા હતા આકરા પ્રહાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવતા જ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ બાબતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ બેફામ મોંઘવારી તેમજ બીજી તરફ આવકનાં ઘટતા જતા સ્ત્રોત અને આર્થિક સંકળામણમાં પારાવારા હાલાકી ભોગવી રહેલા દેશનાં નાગરિકોને અને ગુજરાતનાં નાગરિકોને કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ અને મોઘું થતું જશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદથી વડોદરા જવાનાં પહેલા જે પૈસા ચૂકવવા પડતા હતા તેમાં વધારો થશે. આ ભાવ વધારાના કારણે સમગ્ર પરિવહન મોંઘું થશે અને આ મોંઘવારીનો માર અંતે તો સામાન્ય જનતા ઉપર જ આવવાનો છે.