જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ્દ કારણે પોલીસ એલર્ટ મોડ પર આવૈ ગઈ, એડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આદેશો કરાયા છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે એ માટે આદેશ આપવામાં આવ્યા
સ્થાનિક સ્વરે પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો
પરિવહન સ્થળો પર વધારાનો બંદોબસ્ત ગોઠવવા માટે પણ આદેશ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવેલા પરીક્ષાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો છે. પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉમેદવારો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. હાઈવે પર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે એ માટે આદેશ આપવામાં આવ્યા
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં ઉમેદવારોમાં જોવા મળતા આક્રોશને લઈને પરીક્ષા રદ્દને કારણે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જણાવી દઈએ કે હાલ સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આદેશો કરાયા છે. હાલનો માહોલ જોતાં એડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને એમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે એ માટે આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ સ્થાનિક સ્વરે પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો અનેખાસ કરીને પરિવહન સ્થળો પર વધારાનો બંદોબસ્ત ગોઠવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
પરીક્ષાર્થીઓમાં રોષ
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ VTV સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, 'સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.'
ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો
સરકારની વાતોથી વિદ્યાર્થીઓ હાલ સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ST બસ સ્ટેન્ડ પર જ કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના પણ સામે આવી છે.
2,995 પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની હતી પરીક્ષા
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કર્યો પરિપત્ર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-01-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.29-01-2023ના રોજ સવારે 11-00 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.