ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો એવો વરસાદ રહ્યો છે ત્યારે હવે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સપ્ટેમ્બરના અંત સુધી રાજ્યમાં રહેશે મેઘમહેર
24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ 15 ટકા વરસાદની છે ઘટ
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા જ ભારે વરસાદ પડ્યો હતો જે બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે જેમા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
પાંચ દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યારે આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આ સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવો છે.
વલસાડ આખું જળબંબાકાર, નદી બની ગાંડીતૂર
નોંધનીય છે વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. ડેમમાં 1.59 લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી 79.45 મીટરે પહોંચી છે જે બાદ 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે. લોકોને નદીકિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
નર્મદા ડેમ 68 થી 70 ટકા જેટલો ભરાયો
સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, એક જ દિવસમાં ડેમમાં ઉપરવાસમાંથી 18 હજાર 11 કયુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 50 સેન્ટીમીટર વધી છે જેથી હાલ ડેમની સપાટી 122.54 મીટરે પહોંચી છે.
આબુ નદી અને બનાસ નદીમાં પાણીની આવક
ઉત્તરગુજરાતમાં વરસાદનાં કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાંથી નીકળતી આબુ નદી તથા બનાસ નદી વહેતી થતાં હવે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થશે.
કડાણા ડેમ અને આજવા સરોવર છલોછલ
ઉપરવાસમાં સારા વરસાદનાં કારણે કડાણા ડેમની સપાટી 406 ફૂટે પહોંચી ગઈ છે, બે જ દિવસમાં ડેમની સપાટીમાં ચાર ફૂટનો વધારો થયો છે. જ્યારે બીજી તરફ વડોદરાનાં આજવા સરોવરમાં પણ એક ફૂટ જેટલી સપાટીમાં વધારો થયો છે.