Team VTV06:51 PM, 16 Dec 21
| Updated: 10:41 PM, 16 Dec 21
પેપરલીક કાંડમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. હેડ કલાર્કનું પેપર ફૂટવા મામલે હાલ 12 જેટલા શંકાસ્પદોની પુછપરછ હાથ ધરાઇ છે. તો બીજી તરફ પરીક્ષા રદ્દ થવાની સંભાવના પણ છે.
હેડકલાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો
હેડ ક્લાર્કની પરીક્ષા થઇ શકે છે રદ્દ
પેપર તપાસ ટીમે 12 લોકોની પુછપરછ કરી
ગુજરાતમાં પેપર લીખ થવાની બાબતો હવે સામાન્ય બની ગઈ છે. કારણ કે, અહીં ભાગ્યે જ કોઈ પરીક્ષા પારદર્શિતા સાથે લેવામાં આવે છે. મોટા ભાગની પરીક્ષાઓ પહેલા પેપરના લાખો રૂપિયાના સોદા થઈ જાય છે. પરીક્ષા સમયે જ પેપર ફૂટી પણ જાય છે. જેના કારણે લાખો યુવાનોની મહેનત પાણીમાં જતી રહે છે. આવું જ ફરી એક વખત થઈ રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષામાં થઈ રહ્યું છે. પરીક્ષા પહેલા પેપર લીક થયાના પુરાવા રજૂ થયા બાદ હાલ તંત્ર કાર્યવાહીના મૂડમાં આવી છે.
પેપરકાંડમાં 12 શંકાસ્પદોની પુછપરછ
હેડ ક્લાર્ક પેપરકાંડમાં 12 શંકાસ્પદોની પુછપરછ કરી છે. આ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. હાલ તો પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસ પેપર લીક કરનાર આરોપીઓ સુધી પહોંચી ચૂકી છે.
હેડ ક્લાર્કની પરીક્ષા થઇ શકે છે રદ્દ
એવી સંભવના દર્શાવવામાં આવી રહી છે કે, પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે. પેપર લીકની ફરિયાદ આજે દાખલ થઇ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બનશે. 80 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
આજે હેડ કલાર્ક ભરતી પેપર લીક મામલે આંદોલનકારી યુવરાજસિંહે GSSSBના અધ્યક્ષ અસિત વોરાને સચિવ, ઉપસચિવની હાજરીમાં પુરાવા સોંપ્યા છે. સાથે GSSSB આ પેપર લીક મામલે પોતે ફરિયાદી બનશે તેવુ આશ્વાસન આપ્યું છે. આ મામલે યુવરાજે વધુમાં જણાવ્યું કે બીજા કેટલાક સંવેદનશીલ પુરાવાઓ પણ સોંપવામાં આવશે જે ફક્ત ગૃહરાજ્ય મંત્રીને જ આપવા માગીએ છીએ. સરકાર અને ગૌણ સેવા મંડળ આ મામલે ફરિયાદી નહીં બને તો અમે હાઈકોર્ટમાં જઈશું. સરકારને આ મામલે એક્શન લેવા માટે 78 કલાકનુ અલ્ટીમેટમ આપીએ છીએ.