Head Clerk Exam Paper Leak 70 students will not be able to take the exam
નિર્ણય /
હર્ષ સંઘવીની જાહેરાત : હેડક્લાર્ક પરીક્ષા આ વિદ્યાર્થીઓ નહીં આપે શકે, માર્ચ મહિનામાં લેવાશે ફરીથી
Team VTV02:56 PM, 21 Dec 21
| Updated: 03:20 PM, 21 Dec 21
હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય. માર્ચમાં ફરી લેવાશે પરીક્ષા. પેપર ખરીદનાર 70 વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા
હેડ ક્લાર્કની પરીક્ષા મામલે સરકારનો મોટો નિર્ણય
પેપર ખરીદનાર 70 વિદ્યાર્થી નહીં આપી શકે પરીક્ષા
આગામી માર્ચ મહિનામાં પરીક્ષાનું થશે ફરી આયોજન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી જાહેરાત
હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થયાનો મામલો ગંભીર બનતા રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લઈને માર્ચ મહિનામાં યોજવાની જાહેરાત કરાઈ છે. સાથે જ જે વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યા છે તેઓ પરીક્ષા આપી શકશે નહીં.
આ સાથે જ તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે 70 વિદ્યાથીઓએ પેપર ખરીદ્યા છે તેઓ આગામી પરીક્ષા આપી શકશે નહીં. બાકી જેમણે ફોર્મ ભર્યા છે તે પરીક્ષામાં લાયક ગણાશે.
માર્ચ મહિનામાં યોજાશે પરીક્ષા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના 88 હજાર પરિવારોને ન્યાય મળે અને ખરેખર તનતોડ મહેનત કરનાર ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં લેતા હવે આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાશે.
પરીક્ષા કરાઈ રદ્દ
રાજ્યમાં લાયક યુવા ઉમેદવારોની મહત્વકાંક્ષા પર આંચ ન આવે અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ લેખિત પરીક્ષા રદ્દ કરવામાં આવે છે.
કડક તપાસના અપાયા આદેશ
હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ પરીક્ષા રદ્દ કરવામાં આવે અને ગુનેગારોને કડક સજા થાય તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવ્યા બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ્દ કરી હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ગુનેગારો સામે કડક તપાસના આદેશ આપ્યા છે.
14 આરોપીઓની કરાઈ ધરપકડ
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે.
30 લાખ રૂપિયા કરાયા રિકવર
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હાલ આ કેસ હિસ્ટ્રોરિકલ સમયમાં પૂરો થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 88 હજાર પરિવાર લોકોને ન્યાય મળી રહે તે માટેના સરકાર દ્વારા હાલ વિચારણા ચાલી રહી છે.
હેડ કલાર્ક પેપર લીક કેસમાં મુખ્ય આરોપીની પણ થઈ ધરપકડ
મહત્વનું છે કે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં જયેશ આરોપી નંબર-1 છે અને તેના પર લાખો રૂપિયામાં દીપક પટેલ પાસેથી પેપર ખરીદવાનો આરોપ લગાવાયો છે. જયેશ પટેલે પેપર ખરીદ્યા બાદ અલગ અલગ બે ગ્રુપને પેપર વેચ્યું હતું. તેમ જ તેના સંબંધીના ઘરે જ લીક પેપર સોલ્વ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી
બીજી બાજુ ગાંધીનગરમાં પણ રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.