ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સનું સર્વર છઠ્ઠા દિવસે પણ ડાઉન છે. હેકર્સે 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી છે.
AIIMS નું સર્વર છઠ્ઠા દિવસ પણ ડાઉન
હેકર્સે 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી
AIIMS સર્વરમાં દેશના તમામ VIPનો ડેટા છે
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સનું સર્વર છઠ્ઠા દિવસે પણ ડાઉન છે. ત્યારે મળતી માહિતી મુજબ સોમવારે હેકર્સે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી પાસેથી 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી છે. દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે 25 નવેમ્બરે આ સંદર્ભમાં કેસ નોંધ્યો હતો.
સર્વરમાં તમામ VIP લોકોનો ડેટા
સર્વર હેક થવાના કારણે લગભગ 3-4 કરોડ દર્દીઓને ડેટા સાથે ચેડા થવાનો ભય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વર ડાઉન હોવાથી ઈમરજન્સી, આઉટપેશન્ટ. ઈનપેશન્ટ અને લેબોરેટરી વિભાગમાં દર્દીની સંભાળ સેવાઓ મેન્યુઅલી મર્યાદિત કરવામાં આવી રહી છે. ઈન્ડિયા કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલય આ મામલાની તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં કોમ્પ્યુટર પર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. AIIMS સર્વરમાં પૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ, અમલદારો અને ન્યાયાધીશો સહિત અનેક VIPનો ડેટા છે.
ચાર સર્વરોને સ્કેન કરવામાં આવ્યા
દરમિયાન એનઆઈસી ઈ-હોસ્પિટલ ડેટાબેઝ અને ઈ-હોસ્પિટલ માટે એપ્લિકેશન સર્વર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ એનઆઈસી ટીમ એઈમ્સમાં સ્થિત અન્ય ઈ-હોસ્પિટલ સર્વરમાંથી વાયરસને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઈ-હોસ્પિટલ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ગોઠવાયેલા ચાર ભૌતિક સર્વરોને સ્કેન કરવામાં આવ્યા છે અને ડેટાબેઝ અને એપ્લિકેશન માટે તૈયાર કરવામાં આવ્યા છે.
સર્વર અને કોમ્પ્યુટર માટે એન્ટીવાયરસનો ઉપયોગ થઈ રહ્યો છે. 50 માંથી 20 સર્વર સ્કેન કરવામાં આવ્યા છે. નેટવર્ક પુનઃસ્થાપિત કરવાની કામગીરી હજુ પાંચ દિવસ ચાલુ રહે તેવી શક્યતા છે.