Team VTV10:35 AM, 25 Oct 22
| Updated: 10:46 AM, 25 Oct 22
દર વર્ષે દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે કોઇને કોઇ દુર્ઘટના ઘટતી જ હોય છે. ત્યારે આ વખતે પણ દિવાળી ટાણે રાજ્યના અનેક શહેરોમાં ફટાકડાના કારણે આગ લાગી છે.
દિવાળીએ ફટાકડાના કારણે અનેક જગ્યાએ આગ લાગ્યાની ઘટના
અમદાવાદમાં ફાયર વિભાગને ગઇકાલે કુલ 57 કોલ મળ્યા હતા
સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નહીં
દિવાળીના તહેવારો આવે એટલે તુરંત ક્યાંક ને ક્યાંક આગ લાગવાના બનાવો ઘટતા રહે છે. જેને ધ્યાનમાં રાખતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ સંપૂર્ણ સજ્જ હોય છે. ત્યારે દિવાળી ટાણે રાજ્યમાં અનેક જગ્યાએ આગ લાગ્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં સૌ પ્રથમ જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અસારવા કડિયાની ચાલી પાસે આવેલી ભંગારની એક દુકાનમાં આગ લાગી હતી. જોકે ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ પણ નહોતી થઇ.
ચાંદખેડા કળશ એપાર્ટમેન્ટ
બીજી બાજુ અમદાવાદના ચાંદખેડા વિસ્તારના કળશ એપાર્ટમેન્ટમાં પણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. કડી નાગરિક બેંક રોડ પરના એપાર્ટમેન્ટમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
સરસપુરમાં પણ રોજી સિનેમા નજીક લાગી ભીષણ આગ
આ સિવાય શહેરના સરસપુરમાં પણ રોજી સિનેમા નજીક ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. 5 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એકાએક ગોડાઉન અને મકાનમાં ભીષણ આગ લાગી હતી. જોકે બાદમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં ફાયર વિભાગની કામગીરી કાબેલે તારીફ રહી છે. કારણ કે દિવાળીની રાત્રે અમદાવાદમાં ફાયર વિભાગનો કંટ્રોલ રૂમ આખી રાત ધબકતો રહ્યો છે. ગઈકાલે ફાયર વિભાગને કુલ 57 કોલ મળ્યા હતા. જોકે આગના લાગવાના લીધે કોઈ મોટી જાનહાનિ થયાના સમાચાર સામે નથી આવ્યા.
બીજી બાજુ સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં શિવમ કોમ્પ્લેક્સમાં ફટાકડાથી આગ લાગતા ટુ વ્હીલર અને લાઈટના મીટર બળીને રાખ થઇ ગયા છે. જોકે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ ન હોતી થઇ. સળગતો ફટાકટો વાહન પાસે પડતા આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તદુપરાંત સુરતના વેસુ વિસ્તારમાં ઓફિરા બિલ્ડીંગમાં ત્રીજા માળે 303 નંબરના ફ્લેટમાં ગેલેરીના ભાગે ભીષણ આગ લાગતા ફાયર તંત્ર દોડતું થઇ ગયું હતું. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઘરનું ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. ફ્લેટમાં રહેનાર પરિવાર દુબઈ અને થાઈલેન્ડની ટુર પર ગયા હતા.
વડોદરામાં પણ ત્રણ ગોડાઉન આગમાં બળીને ખાખ
આ સિવાય વડોદરામાં પણ ઠેર-ઠેર જગ્યાએ ફટાકડાના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે. દિવાળીના દિવસે ફટાકડા ફોડતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોત્રી ગાયત્રી સ્કૂલ સામે આવેલા 3 ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફરાસખાના, પ્લાયવુડ અને કાચના ગોડાઉનમાં આગ લાગતા ત્રણેય ગોડાઉન આગમાં બળીને ખાખ થઇ ગયા છે. ખિસકોલી સર્કલ પાસે VUDAના મકાનમાં પણ આગ લાગી હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઇ. ફાયરની 5થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે.
પંચમહાલના પાવાગઢ રોડ પર ટાયરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી
પંચમહાલના પાવાગઢ રોડ પર પણ ટાયરના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. રહેણાંક વિસ્તારની નજીક ટાયરનું ગોડાઉન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે બાદમાં હાલોલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે.