કાર્યવાહી /
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પેટ્રોલપંપના સંચાલકો પર GST વિભાગની તવાઇ, મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા
Team VTV12:06 PM, 25 Aug 22
| Updated: 12:17 PM, 25 Aug 22
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ટેક્સચોરી કરનારા પેટ્રોલપંપના સંચાલકો ઉપર દરોડા પાડવામાં આવત સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પેટ્રોલપંપ સંચાલકો ઉપર દરોડા
રાજકોટમાં 4, જૂનાગઢના 1 પેટ્રોલપંપ સંચાલક ઉપર દરોડા
GSTની તપાસમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા
ગુજરાતમાં એકવાર ફરી GST અને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 8થી વધુ પેટ્રોલપંપ ઉપર રેડ પાડવામાં આવી છે. જેમાં રાજકોટમાં 4 અને જૂનાગઢના 1 પેટ્રોલપંપ સંચાલક ઉપર દરોડા પાડવામાં આવ્યા.
સૌરાષ્ટ્રમાં 8થી વધુ પેટ્રોલપંપો ઉપર GST અને એન્ફોર્સમેન્ટ વિભાગના દરોડા: રાજકોટમાં 4 અને જૂનાગઢના 1 પેટ્રોલપંપ સંચાલક ઉપર રેડ, વધુ વેચાણ છતાં ઓછો ટેક્સ ભરતા હોવાની આશંકાએ તપાસ, મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા#Gujarat#GST
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 25, 2022
દરોડામાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા
મહત્વનું છે કે, આ તપાસ હજુ લાંબી ચાલે તેવી શક્યતા સેવાઇ રહી છે. આથી આ દરોડામાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે. પેટ્રોલ પંપો દ્વારા વધુ વેચાણ છતાં ઓછો ટેક્સ ભરતા હોવાની આશંકાએ GST અને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમવાર આ રીતે પેટ્રોલ પંપના સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે.
ઓછો ટેક્સ ભરતા હોવાની આશંકાએ તપાસ
તમને જણાવી દઇએ કે, GST અને એન્ફોર્સમેન્ટ વિભાગને પેટ્રોલ પંપમાં મોટા ભાગે રોકડેથી જ વ્યવહાર થતો હોવાનો તેમજ જે આવક થાય છે તે મુજબ ટેક્સ નહીં ભરાતો હોવાની બાતમી મળી હતી. આથી આ બાતમીના આધારે તેમાં ખરાઈ કર્યા બાદ ટેક્સચોરી પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, નોટબંધીમાં પણ સૌથી વધુ વ્યવહારો પેટ્રોલ પંપ સંચાલકોના જ મળ્યાં હતાં. જેની પુન: તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિના અગાઉ 25 પેટ્રોલ પંપો પર GST વિભાગે બોલાવી હતી તવાઇ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એકાદ મહિના અગાઉ રાજ્યમાં સ્ટેટ GST વિભાગે રાજ્યના 19 પંપ સામે તપાસ હાથ ધરી હતી અને એ અગાઉ 6 પેટ્રોલ પંપો પર GST વિભાગે તપાસ હાથ ધરી હતી. એટલે કે કુલ 25 જેટલાં પંપ સામે GST વિભાગે તપાસ હાથ ધરતા પેટ્રોલ પંપના માલિકો પાસેથી હિસાબી ચોપડા અને ડિજિટલ ડેટા જપ્ત કરાયા હતા તેમજ એ સમયે પણ પેટ્રોલ પંપના માલિકો ભરવા પાત્ર ટેક્સ પૂરેપૂરો ન ભરતા હોવાનું ઇન્ટેલિજન્સના સોફ્ટવેરમાં ઝડપાયું હતું. ત્યારે એકવાર ફરી સૌરાષ્ટ્રમાં GST વિભાગ અને એન્ફોર્સમેન્ટ વિભાગ પેટ્રોલ પંપના સંચાલકોને લઇને એક્શનમાં આવ્યો છે.