પાટણ જિલ્લામાં વરસાદને લઇને ચાણસ્મા તાલુકાનાં ગંગાપુરા ગામે પૂર આવતા 2 યુવકો તણાયા હતા જેમાંથી એક યુવાનનો બચાવ થયો છે.
ચાણસ્મા તાલુકાનાં ગંગાપુરા ગામે તણાયા 2 યુવકો
ગંગાપુરા ગામે પસાર થતા પાણીનાં ડીપમાં યુવકો પડ્યા
એક્ટિવાસવાર 2 યુવાનો પાણીમાં તણાતા દૂર્ઘટના
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે પાટણ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસતા નદી-નાળાઑમાં ઘોડાપૂર ઉમટ્યા હતા. તેવામાં આજે ચાણસ્મા તાલુકાના ગંગાપુરા ગામે બે યુવકો તણાયા હોવાનું સામે આવ્યુ હતું.
NDRFની ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ
ભારે વરસાદને લઇને પાટણના ચાણસ્મા તાલુકાના ગંગાપુરા ગામે પૂર આવ્યું હતું આ દરમિયાન બે યુવાનો એક્ટિવા લઇ પસાર થઇ રહ્યા હતા જે દરમિયાન ગંગાપુરા ગામે પસાર થતાં પાણીના ડીપમાં બંને યુવકો ખબક્યા હતા. આ દરમિયાન એક યુવકને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરાઇ છે. આ ઘટનાને લઇને ચાણસ્મા પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને NDRFની ટીમ પણ પાણીના પ્રવાહમાં લાપતા યુવકને શોધી રહી છે. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ઉહાપોહ મચી ગયો છે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘમહેર
વરસાદી આગાહીને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે. આજે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઇ રહી છે. આથી અનેક વિસ્તારો પાણીમાં ગળાડૂબ બન્યા છે. ઉપરાંત ભારે વરસાદને પગલે વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ ભારે વરસાદને લઇને આનંદ સરોવર પણ ઓવર ફ્લો થયુ છે.