Gandhinagar Municipal Corporation election results updates
જનાદેશ /
ગાંધીનગરમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવઃ પાટીલે કહ્યું- ગાજ્યા એ વરસ્યા નથી, CM ભૂપેન્દ્ર પટેલે જુઓ શું કહ્યું...
Team VTV01:45 PM, 05 Oct 21
| Updated: 02:01 PM, 05 Oct 21
ગાંધીનગર મનપા તથા રાજ્યના વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા પર ભાજપની સત્તા
ગાંધીનગરની જીત બાદ કમલમ્ ખાતે વિજયોત્સવ
CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે કરી જીતની ઉજવણી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે 41 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી છે. ભાજપની ભવ્ય જીત થતા કમલમ્ ખાતે વિજયોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. તો મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
કુલ બેઠકો
ભાજપ
કોંગ્રેસ
આપ
44
41
2
1
સી.આર. પાટીલ મને કહેતા હતા કે 3 સીટ ઓછી કેમ આવી?: CM ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરમાં ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલએ સંબોધન કર્યું હતું. સીએમએ કહ્યું કે, સી.આર. પાટીલ મને કહેતા હતા કે 3 સીટ ઓછી કેમ આવી? ભાજપ ચૂંટણીલક્ષી કામ કરનારી પાર્ટી નથી. જનપ્રતિનિધિઓએ હવે જનતાની વચ્ચે જઈને કામ કરવુ પડશે. અમિત શાહ નાનામાં નાના માણસની પણ ચિંતા કરે છે. મોટા હોદ્દેદારોને કાર્યકર્તા તરીકે કામ સોંપાય તો પણ તે કરે છે.
સી.આર. પાટીલે કહ્યું- ગાજ્યા એ વરસ્યા નહીં
ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, જે બહુ ગાજ્યાં તે વરસ્યા નહીં, માત્ર એક બેઠક મળી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી તે જનતા બતાવ્યું.
ગાંધીનગરની જીત બાદ કમલમ્ ખાતે વિજયોત્સવ
કમલમ્ ખાતે ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ્ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત્ કરાયું હતું. ફટાકડા ફોડી અને ઢોલ-નગારા સાથે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમલમ્ પહોંચ્યા છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની જીત થતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદારોનો આભાર માન્યો હતો. ચુડાસમાએ કહ્યું કે, મતદારોએ સરકારના કામની કદર કરી છે. ગાંધીનગરમાં કાર્યકર્તાઓ મનમૂકીને કામ કર્યા છે. અન્ય પાર્ટીઓના પ્રચાર વચ્ચે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યા છે. પરિણામથી સાબિત થયું છે કે, ગુજરાતમાં કોઈ નવી પાર્ટી નહી ચાલે. મજબૂત કામ અને મજબૂત સંગઠનના કારણે ભાજપની જીત થઇ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીત નક્કી છે.
ગાંધીનગર મનપામાં AAPનું ખાતુ ખુલ્યુ
ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્યું છે. વોર્ડ નં.6માં ભાજપની પેનલ તૂટી છે. AAPના તુષાર પરીખની જીત થઇ છે. જોકે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં જીત માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ ચૂંટણીના પરિણામોમાં આપની મહેનત નિષ્ફળ સાબિત થતી દેખાઇ રહી છે.
ગાંધીનગર મનપામાં 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપને બહુમતી
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ભાજપે ગાંધીનગર મનપામાં 10 વર્ષમાં પ્રથમ વખત બહુમતી મેળવી છે. તોઆપનું સૂરસૂરિયું થયું છે અને કોંગ્રેસના પણ હાલ બેહાલ થયા છે. હાલ ચૂંટણી વલણો અનુસાર 11 વોર્ડની 44 બેઠકોમાં 38 બેઠકો પર ભાજપ અને 1-1 પર કોંગ્રેસ-આપ આગળ છે.
ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ઉત્સવ શરૂ કર્યો
ગાંધીનગર મનપામાં ભાજપની સત્તા નજરે પડી રહી છે. ભાજપની ભવ્ય જીત થઇ છે. ત્યારે 1 વાગ્યે કમલમ્ ખાતે જીતની ઉજવણી થશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. ઢોલ-નગારા સાથે જીતની ઉજવણી થશે. હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમલમ્ પહોંચી રહ્યા છે.