રાજ્ય સરકારે આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સેક્ટરમાં રોકાણો તેમજ રોજગાર નિર્માણને વેગ આપવા ઘડેલી IT/ITES પોલિસી ર૦રર-ર૭ ને રોકાણકારોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ બંને ક્ષેત્રોના પ્રતિષ્ઠિત ઉદ્યોગ-રોકાણકારો, કંપની સંચાલકો ગુજરાતની આ પોલિસીના લાભથી પ્રેરિત થઇ રાજ્યમાં રોકાણો માટે આવતા થયા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં વધુ બે MoU તા.ર૦ મી જૂને સંપન્ન થયા હતા.આ તકે સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી પણ સહભાગી બન્યા હતા. જેમાં રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ અને GESIA આઇ.ટી એસોસિયેશન વચ્ચે સમજૂતિ કરાર થયા હતા.
MoUથી રોજગારીનું થશે સર્જન
આ એસોસિયેશનની વિવિધ ૧૦ જેટલી કંપનીઓ કુલ રૂ. ર હજાર કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં IT ક્ષેત્રે કરવાની છે અને તેના દ્વારા અંદાજે ૬૭પ૦ લોકોને રોજગારીની વિવિધ તકો મળશે. GESIA રાજ્યમાં લીઝ, કોમર્શીયલ ઓફિસ સ્પેસ, આઇ.ટી સોફટવેર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંશાધન, ડેટા સેન્ટર, આર એન્ડ ડી, કલાઉડ વગેરે વિષયોમાં પોતાની સેવાઓ આપશે. આ MoU ઉપરાંત અમદાવાદની ઇન્ટીગ્રીટી ગૃપ જે લીડીંગ આઉટ સોર્સીંગ અને ફિનટેક કંપની છે તેમણે પણ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે MoU કર્યા હતા.ઇન્ટીગ્રીટી ગૃપ ર૦૧પ-૧૬ થી આ ક્ષેત્રે કાર્યરત છે અને યુ.એસ, યુ.કે સહિતના ગ્લોબલ માર્કેટમાં ખ્યાતિ ધરાવે છે. ભારતમાં પણ પાંચ શહેરોમાં ઓફિસ સાથે ૧રપ૦ કર્મચારીઓની સંખ્યા ધરાવે છે. હવે, ગુજરાત સરકાર સાથે આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ પોલિસી-ર૦રર-૨૭ થી પ્રેરિત થઇને ઇન્ટીગ્રીટી ગૃપે જે MoU કર્યા છે તે અનુસાર આગામી ૩ થી પાંચ વર્ષમાં તેઓ રૂ. ૧૦૦ થી ૧પ૦ કરોડનું રોકાણ કરશે તથા ૩ હજાર જેટલા લોકોને રોજગારીના અવસર પૂરા પાડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં MoU થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર GESIA વતી વાઇસ ચેરમેન એન્ડ ડિરેકટર પ્રણવ પંડયા તેમજ ઇન્ટીગ્રીટી ગૃપ વતી સી.ઇ.ઓ શાલિન પરીખે તથા રાજ્ય સરકાર વતી સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ હસ્તાક્ષર કર્યા હતા.